– અંકલેશ્વરની મંગલદીપ સોસાયટીમાં રહેતો શખ્સ વોન્ટેડ
ભરૂચ,
ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામેથી ગત રોજ બપોરના સમયે ભરૂચની એસ.ઓ.જીની ટીમે બાતમીના આધારે રેડ કરી આછોદની પટવા શેરીમાં રહેતા એક ઈસમને ૨.૮ કિ.ગ્રામના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.જ્યારે અંકલેશ્વરના એક ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ભરૂચ જીલ્લાના હદ વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરૂધ્ધ કેસો કરવા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજ નાઓ દ્વારા “NO DRUGS IN BHARUCH CAMPAIGN” અંતર્ગત જીલ્લાના તમામ અધિકારીઓને સુચના આપી હતી.જે સુચનાને આધારે પોલીસ ઈન્સ્પેકટર એ.વી.પાણમીયા તથા પોલીસ ઈન્સ્પેકટર એ.એચ.છૈયાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જે બાબતે એસ.ઓ.જીટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એ.એસ.આઈ.ગુલામખાન સરદારખાનને મળેલી ચોક્કસ બાતમીને આધારે આમોદ તાલુકાના આછોદ ગામે રેઈડ કરતા આરોપી ઈદ્રીશભાઈ અબ્બાસભાઈ કાઝી રહે.આછોદ,પટવા શેરી,મહેબુબ વલીભાઈ પટેલના ભાડાના મકાનમાં તા.આમોદ જી.ભરૂચ પોતાના કબ્જા ભોગવટાની દુકાનમાં વનસ્પિતજન્ય ગાંજોનો જથ્થો ૨ કિલો ૮ ગ્રામ ની કિં.રૂ.૧,૦૦,૪૦૦ તથા એક મોબાઈલ ફોન કિં.રૂ.૫૦૦ તથા રોકડા રૂ.૩૦૦ મળી કુલ કિં.રૂ.૧,૦૧,૨૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી વિરૂધ્ધ આમોદ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુનો નોંધી તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે અંકલેશ્વરની મંગલદીપ સોસાયટીમાં રહેતા દિપક મંડલને વોન્ટેડ જાહેર કરી તેને પકડવામાં ચક્રો ગતિમાન કર્યા હતા.




