ભરૂચ તાલુકાના દયાદરા ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ

SHARE:

– બાળકોને સિમેન્ટ કોંક્રિટનો માલ બનાવી કામ કરાવવામાં આવતો વિડિયો વાયરલ 

– બાળમજૂરી અને શિક્ષણના હક્કોનું ઉલ્લંઘન થતું હોવાની ચર્ચા

– નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ

ભરૂચ,

ભરૂચ જિલ્લાના દયાદરા ગામની સરકારી પ્રાથમિક શાળાનો એક ચોંકાવનારો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે.અભ્યાસ કરતા બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે.આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લાના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.એક જાગૃત નાગરિકે આ વીડિયો ઉતાર્યો હતો.વાઈરલ વીડિયોમાં વિદ્યાર્થીઓ શાળા પરિસરમાં સિમેન્ટ – કોંક્રિટનો માલ બનાવતા સ્પષ્ટપણે નજરે પડે છે, જે શિક્ષણના અધિકાર અને બાળમજૂરી પ્રતિબંધિત કાયદાના ઉલ્લંઘન તરફ આંગળી ચીંધે છે.

મળતી વિગતો અનુસાર ભરૂચ તાલુકાના દયાદરા ગામે આવેલ કુમાર શાળામાં ચાલી રહેલા વિકાસ કામો અથવા અન્ય કોઈ પ્રવૃત્તિ માટે બાળકોનો મજૂર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે.એક જાગૃત નાગરિકે આ સમગ્ર દ્રશ્યો મોબાઈલમાં કેદ કરી સોશ્યલ મીડિયા પર વાઈરલ કર્યા હતા.આ વીડિયો સામે આવતા જ વાલીઓ અને શિક્ષણપ્રેમીઓમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે.આક્ષેપ છે કે રજૂઆત કરવા છતાં સંબંધિત શિક્ષકો પોતાની ભૂલ સ્વીકારવાને બદલે લૂલો બચાવ કરી રહ્યા છે.

આ ગંભીર મામલે ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારી સચિન શાહે જણાવ્યું હતું કે દયાદરા ગામની શાળાનો વીડિયો ધ્યાન પર આવ્યો છે.ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક તપાસ ટીમની રચના કરવામાં આવી છે.જો તપાસમાં બાળકો પાસે મજૂરી કરાવવાનો આક્ષેપ સાચો ઠરશે, તો જવાબદારો સામે નિયમ મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.હાલ પ્રાથમિક પૂછપરછમાં બાળકોએ પોતાની જાતે કામ કર્યું હોવાનું રટણ કર્યું છે,પરંતુ વિભાગ બાળકોના હિત અને સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરશે નહીં.

હાલ શિક્ષણ વિભાગની ટીમ દ્વારા સ્થળ તપાસ શરૂ કરવામાં આવી છે.બીજી તરફ સ્થાનિકો અને વાલીઓ માગ કરી રહ્યા છે કે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય શાળાઓમાં આવી ઘટનાનોનું પુનરાવર્તન ન થાય.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!