– પાંચબત્તી ખાતે ક્રિકેટ રસીકોએ આતશબાજી કરી ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી કરી
– હજારોની સંખ્યામાં ક્રિકેટ રસીકો જોડાતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત
– “ભારત માતા કી જય” તથા “ઈન્ડિયા-ઈન્ડિયા” અને “જયશ્રી રામ” ના નારા લગાવ્યા : શહેરભરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો
– ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા : ક્રિકેટ રસીકોને પોલીસે વિખેરવા પડ્યા
ભરૂચ,
8 માર્ચ 2026 ના રોજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ગણાતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી આઈસીસી મેન્સસ ટી 20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતે ભવ્ય જીત હાંસલ કરી ટી – 20 વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો.ભારતની ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.ભારત ટીમના વિજય સાથે દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.શહેરો અને ગામડાઓમાં લોકો જાહેર માર્ગો પર ઉતરી તિરંગા લહેરાવતા અને ઢોલ-નગારા સાથે જશ્ન મનાવતા જોવા મળ્યા હતા. નાનાં-મોટાં સૌએ ફટાકડા ફોડી,નાચી-કૂદી ભારત ટીમની જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો.
આ જીતની ઉજવણીનો રંગ ગુજરાતના ભરૂચ જિલ્લામાં પણ જોવા મળ્યો હતો. ભરૂચ શહેરમાં લોકો મોટી સંખ્યામાં જાહેર માર્ગો પર ઉતરી આવ્યા હતા. ખાસ કરીને પાંચબત્તી સર્કલ ખાતે યુવાનો અને નાગરિકો હાથમાં તિરંગા લઈને ભેગા થયા હતા અને ભારત માતાની જય તથા ટીમ ઈન્ડિયાના નારા લગાવવા સાથે જયશ્રી રામના નારા લગાવી ભવ્ય રીતે ઉજવણી કરી હતી.ભારત ટીમની આ જીતને લઈને ભરૂચ શહેરમાં મોડીરાત સુધી ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.ઉજવણી દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ શહેર પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે ખાસ દેખરેખ રાખવામાં આવી હતી.જોકે ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાતા પબ્લિકને પોલીસ દ્વારા વિખેરવામાં આવી હતી.




