– ભાજપના પૂર્વ મહામંત્રી ભીખા લિંબચીયા અને હિન્દુ સમાજના યુવાનોએ મુલાકાત લીધી
ભરૂચ,
વિકાસના નામે તાયફા કરતી આમોદ નગરપાલિકાના પાપે આજે આમોદની જનતાને મરણ પછી પણ શાંતિ મળે તેમ નથી! આમોદ શહેરના સ્મશાન ગૃહમાં સરકારે રૂ. ૧.૦૨ કરોડની માતબર ગ્રાન્ટ ફાળવી હોવા છતાં, એજન્સીની બેદરકારી અને તંત્રની મિલીભગતને કારણે આજે સ્મશાન નર્ક સમાન બની ગયું છે.ભાજપના પૂર્વ મહામંત્રી ભીખા લિંબચીયા અને હિન્દુ સમાજના આક્રોશિત યુવાનોએ આજે સ્મશાનની મુલાકાત લેતા પાલિકાના ભ્રષ્ટ વહીવટના ધજાગરા ઉડ્યા છે.નગરમાં ચર્ચાઈ રહ્યું છે કે આમોદ પાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયર માત્ર ઓફિસમાં બેસી રહેવામાં જ રસ ધરાવે છે. લાખો-કરોડોના કામો ચાલતા હોવા છતાં, આ જવાબદાર અધિકારીઓ ક્યારેય સ્થળ તપાસ કરવાની તસ્દી લેતા નથી.એજન્સી શું કામ કરે છે, કેટલું નુકસાન કરે છે, તેની આ સાહેબોને કોઈ જ જાણકારી નથી. એન્જિનિયરની ગેરહાજરીમાં એજન્સીએ મનસ્વી રીતે જેસીબી ફેરવીને સ્મશાનની ૧૦ બાસ્ટીલો અને નવી બનાવેલી ચેઈ તોડી નાખીને ભારે નુકસાન કર્યું છે.
સૌથી ગંભીર અને શરમજનક બાબત એ છે કે, આડેધડ ખોદકામ અને કામગીરીને કારણે સ્મશાનમાં જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. હિન્દુ સમાજના યુવાનોએ ભારે રોષ સાથે સવાલ કર્યો છે કે, જો અત્યારે શહેરમાં કોઈનું આકસ્મિક મૃત્યુ થાય, તો શું તેના મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે હેલિકોપ્ટર બોલાવવું પડશે? તંત્રની આ હદ બહારની આળસ અને બેદરકારીથી સમગ્ર આમોદ પંથકમાં ફિટકારની લાગણી વરસી રહી છે. માત્ર ૧.૦૨ કરોડ જ નહીં, પરંતુ સાંસદ મનસુખ વસાવાની ગ્રાન્ટ માંથી ફાળવાયેલા ૬ લાખ રૂપિયાના ગેટનું કામ પણ એક વર્ષથી અધ્ધરતાલ છે.ભૂમિપૂજનના ફોટા પડાવ્યા પછી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ લાગે છે. આ મુદ્દે હવે આમોદનો હિન્દુ યુવાન આરપારની લડાઈના મૂડમાં છે.ભીખા લિંબચીયાએ ચીફ ઓફિસર સાથે ટેલિફોનિક વાતચીત કરી આક્રોશ વ્યક્ત કર્યો છે અને સોમવારે હિન્દુ સમાજના આગેવાનો સાથે મળીને પાલિકામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. જો તાત્કાલિક અસરથી સ્મશાનનો રસ્તો ક્લિયર કરવામાં નહીં આવે અને જવાબદાર એન્જિનિયર સામે પગલાં નહીં લેવાય, તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.




