– પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી
ભરૂચ,
અંકલેશ્વરમાં પરપ્રાંતીય યુવાનની થયેલી હત્યાના મામલામાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.યુવાનની હત્યા અનૈતિક સંબંધોમાં થઈ હોવાના ઘટસ્ફોટ સાથે પોલીસે મહિલાના જમાઈ અને સગીર દીકરાની ધરપકડ કરી છે.
અંકલેશ્વરમાં તાજેતરમાં સામે આવેલ એક હત્યાના બનાવે વિસ્તારમાં ચકચાર મચાવી છે.મૂળ ઉત્તરપ્રદેશના પરપ્રાંતીય યુવાન મુન્ના લક્ષમણ પાલની હત્યાના મામલે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.મૃતક યુવાનનો એક મહિલા સાથે અનૈતિક સંબંધ હતો.આ મહિલા અંકલેશ્વરમાં પાનનો ગલ્લો ચલાવતી હોવાનું જાણવા મળ્યું છે.આ સંબંધ અંગે મહિલાના પરિવારજનોને જાણ થતાં તણાવ ઉભો થયો હતો.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલાના જમાઈ ભોલું માનિક મંડલ અને સગીરવયના દીકરાએ મળીને યુવાનની હત્યા કરી હતી. આરોપીઓએ ગુનાને અંજામ આપ્યા બાદ મૃતદેહને સારંગપુર નજીક ફેંકી દીધો હતો.જ્યાંથી ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસે આ કેસમાં આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.




