– શહેરના વિવિધ રૂટ ઉપર ચાલતી બસોમાં સવારથી સાંજ સુધી મુસાફરી કરી શકાશે
ભરૂચ,
ભરૂચ નગરપાલિકાએ રક્ષાબંધન માટે એક અગત્યની જાહેરાત કરી છે.જેમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ બહેનો માટે એક દિવસ સીટી બસની મુસાફરી નિઃશુલ્ક જાહેર કરતા સમગ્ર દિવસ દરમ્યાન તમામ રૂટો ઉપર મહિલાઓ વિના મૂલ્યે મુસાફરી કરી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરશે.
ભરૂચ પાલિકા સંચાલિત મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવા પલિકા હદ વિસ્તારમાં અલગ અલગ રૂટ ઉપર સિટી બસ શરૂ કરવામાં આવી હતી.જે બાદ પાલિકા દ્વારા ઉત્તરાયણ,રક્ષાબંધન જેવા વિવિધ તહેવારોમાં મહિલાઓ માટે દિવસભર નિઃશુલ્ક મુસાફરીનું આયોજન કરવામાં આવતું રહ્યું હતું અને આ વર્ષે પણ રક્ષાબંધન નિમિત્તે પાલિકા દ્વારા બહેનોને વિશેષ સુવિધા મળી રહે તે આશ્રયથી સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરીની ભેટ આપવામાં આવી છે અને રક્ષાબંધન નિમિત્તે મહિલાઓએ સમગ્ર દિવસ દરમ્યાન વિના મૂલ્યે મુસાફરી કરી શકશે તેમજ ૧૫ વર્ષથી નાના બાળકો પણ આ સેવાનો લાભ લઈ શકશે તેમ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને મહિલાઓ અને બાળકો વધુમાં વધુ લાભ લે તેવી અપીલ પણ કરી હતી.
ભરૂચ શહેરમાં મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવાની સર્વિસ શરૂ થતાં લોકોને અવરજ્વરમાં ખુબ અનુકૂળતા પડી રહી છે.રક્ષાબંધનની ઉજવણીના ભાગરૂપે સિટી બસમાં મહિલાઓની નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરવામાં આવતા મહિલાઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી.રક્ષાબંધનના તહેવાર દરમ્યાન મોટી સંખ્યામાં બહેનો રાખડી બાંધવા ભાઈના ઘરે જાય છે.બહેનો ભાઈઓના ઘર સુધી જવા માટે મુસાફરી ખર્ચ બચાવી શકે તે માટે પાલિકાએ બહેનોને શહેરના તમામ રુટ ઉપર નિઃશુલ્ક મુસાફરીની ઘોષણા કરી હતી.




