– બાળકને શરીરે નિશાન પડતા વાલીમાં રોષ : જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શિક્ષક મુબારક સામે તપાસના આદેશ આપ્યા
ભરૂચ,
ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના ઈખર ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ-2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે પાઈપ વડે માર માર્યાના આક્ષેપથી ચકચાર મચી છે.ઘટનામાં વિદ્યાર્થીના શરીર પર નિશાન પડી ગયાનો દાવો કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના ઈખર ગામે આવેલી સરકારી આદર્શ પ્રાથમિક કુમારશાળામાં વિદ્યાદ્યાર્થીને શિક્ષક મુબારક દ્વારા માર મારવાનો બનાવ સામે આવ્યો છે.જેમાં વિદ્યાર્થી શાળાએથી ઘરે પહોંચ્યો ત્યારે તેના શરીર પર મારના નિશાન જોવા મળ્યા હતા.આ અંગે માતાને જાણ થતાં તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને શાળાના શિક્ષક સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. ઘટનાની જાણ થતાં મામલો શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યો હતો.આ ઘટનાને પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.તપાસની જવાબદારી આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને સોંપવામાં આવી છે.હવે તપાસ દરમ્યાન વિદ્યાર્થી સાથે શાળામાં ખરેખર શું બન્યું હતું.તેને ઈજા કેવી રીતે થઈ અને શિક્ષકની ભૂમિકા શું હતી તે અંગેની હકીકતો સામે આવવાની શક્યતા છે.શિક્ષણ વિભાગ દ્વારા સંબંધિત લોકોના નિવેદનો લેવામાં આવી શકે છે અને શાળામાંથી જરૂરી વિગતો મેળવવામાં આવશે.
કોઈપણ પ્રકારની શારીરિક સજાના આક્ષેપોની ગંભીરતાથી તપાસ થવી જરૂરી બને છે.હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને તપાસના અહેવાલ બાદ શિક્ષક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવું મહત્વપૂર્ણ રહેશે.




