ભરૂચમાં 60 દિવસીય મેગા કાનૂની જાગૃતિ અભિયાન શરૂ : સમાજના અંતિમ વ્યક્તિ સુધી મફત ન્યાય પહોંચાડવા સંકલ્પ

SHARE:

– હાંસોટના ઈલાવ ગામથી વિશેષ ડ્રાઈવનો પ્રારંભ : 13 મુખ્ય જનોપયોગી યોજનાઓ અને બંધારણીય અધિકારો અંગે ગ્રામજનોને માહિતગાર કરાશે

ભરૂચ,

ભરૂચ જિલ્લામાં સમાજના અંતિમ પાયાદાન પર ઉભેલા દરેક જરૂરિયાતમંદ અને વંચિત વ્યક્તિ સુધી સરળતાથી અને નિઃશુલ્ક ન્યાય પહોંચાડવાના સંકલ્પ સાથે બે મહિનાની મેરેથોન મેગા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

નાલસા અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશ અનુસાર ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ઇલાવ ખાતેથી આ 60 દિવસીય વિશેષ ડ્રાઇવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે આયોજિત શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય NALSA દ્વારા સંચાલિત 13 મુખ્ય જનોપયોગી યોજનાઓની માહિતી ગામડાંના સ્તર સુધી પહોંચાડવાનો છે. માત્ર માહિતી આપવી જ નહીં, પરંતુ પાત્ર લાભાર્થીઓને ઓળખીને તેમને સીધો લાભ અપાવવો એ પણ આ અભિયાનનો મહત્વપૂર્ણ હેતુ છે. આ ન્યાયિક વ્યવસ્થાનો મુખ્ય હેતુ સમાજના દરેક નબળા વર્ગને સશક્ત બનાવવાનો અને તેમને કાનૂની રીતે જાગૃત કરવાનો છે.

અભિયાન અંતર્ગત ગ્રામજનોને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવશે. જેમાં ખાસ કરીને શિક્ષા સ્કીમ, સ્પૃહા યોજના, હ્યુમન વાઈલ્ડ લાઈફ કોંફલિકટ, વીર પરિવાર સહાયતા યોજના, નાલસા ડાઉન સ્કીમ, સંવાદ સહિત બાળકો, દિવ્યાંગ વ્યક્તિઓ, વરિષ્ઠ નાગરિકો, એસિડ એટેકના પીડિતો, માનવ તસ્કરીના ભોગ બનેલા વ્યક્તિઓ તથા અસંગઠિત ક્ષેત્રના કામદારો માટેની કાનૂની સેવાઓ અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે.

આ ઉપરાંત નાગરિકોને મફત કાનૂની સહાય મેળવવાનો અધિકાર, કાનૂની સલાહ અને માર્ગદર્શન, લોક અદાલત, કાનૂની સેવા સત્તામંડળની સેવાઓ તથા જરૂરિયાતમંદ વ્યક્તિઓને ઉપલબ્ધ કાનૂની સહાય અંગે પણ માહિતી આપવામાં આવશે. શિબિરના 60 દિવસ દરમ્યાન વિવિધ વિસ્તારોમાં કાનૂની જાગૃતિના કાર્યક્રમો યોજી દરેક વ્યક્તિ સુધી ન્યાય અને કાનૂની સહાયની પહોંચ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ઈલાવ ગામેથી શરૂ થયેલા આ અભિયાનનો મુખ્ય હેતુ ગ્રામ્ય અને છેવાડાના વિસ્તારોના નાગરિકોને તેમના કાનૂની અને બંધારણીય અધિકારો અંગે જાગૃત કરી, ન્યાય મેળવવાની પ્રક્રિયા સરળ અને સુલભ બનાવવાનો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!