– ઐ ટેક્નોલોજીથી શિક્ષણ આપતા હેતલબેન રાણા અને મૂક-બધિર બાળકો તેમજ અનાથ દીકરીઓને નિઃશુલ્ક ભણાવતા હિરેનકુમાર દિહેણીયાને ૫મી સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે સન્માનિત કરાશે
ભરૂચ,
આપણી ધરતી મહાન શિક્ષકોની ભૂમિ રહી છે.આર્યભટ્ટથી લઈને ડૉ.અબ્દુલ કલામ સુધી ઘણા મહાન શિક્ષકોએ સારા શિક્ષકના મહત્વ પર ભાર મૂક્યો છે. ડૉ.અબ્દુલ કલામે કહ્યું છે કે, “શિક્ષકો કોઈપણ દેશની કરોડરજ્જુ છે, તે આધારસ્તંભ છે જેના પર તમામ આકાંક્ષાઓ વાસ્તવિકતામાં પરિવર્તિત થાય છે”.એક શિક્ષક કાચા બીજને યોગ્ય દિશામાં ખીલવા માટે નિઃસ્વાર્થપણે તેના તમામ પ્રયત્નો કરે છે.શિક્ષક જીવનના વિવિધ તબક્કાઓ શીખવે છે.માતા, પિતા, ભાઈ કે અન્ય કોઈપણ વ્યક્તિ જે આપણને જ્ઞાન આપે છે અને સાચા માર્ગે માર્ગ દર્શન આપે છે તે શિક્ષક છે.
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ, ઈનોવેટીવ અને સમર્પિત કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે.જે અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ ના ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ માટે ભરૂચ જિલ્લાના શિક્ષકોએ તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક અને સામાજિક સેવાઓ થકી સ્થાન મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે. ભરૂચ જિલ્લાના શિક્ષકોએ શિક્ષણમાં નવીન પ્રયોગો (ઇનોવેશન), ગુણવત્તાસભર શિક્ષણ, ડીજીટલ એજ્યુકેશન અને સામાજિક જવાબદારીના ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને રાખીને તેઓની આ એવોર્ડ માટે આખરી પસંદગી કરવામાં આવી છે.
ભરૂચ તાલુકાની પ્રાથમિક કન્યાશાળા મનુબરના ભાષા શિક્ષિકા હેતલબેન દિક્ષીતકુમાર રાણા અને વાલિયા તાલુકા સ્થિત શ્રી રંગ નવચેતન વિદ્યામંદિરના ગણિત-વિજ્ઞાન શિક્ષક હિરેનકુમાર ચંદ્રકાંતભાઈ દિહેણીયાની રાજ્યના આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે આખરી પસંદગી કરવામાં આવી છે.
હેતલબેન રાણાએ ૨૩ માર્ચ ૨૦૦૭ના રોજ નેત્રંગ તાલુકાની પ્રાથમિક કન્યાશાળા ખાતે વિદ્યાસહાયક તરીકે પોતાની સેવાકીય સફરનો પ્રારંભ કર્યો હતો.નેત્રંગ ખાતે પ્રસંસનીય સેવાઓ આપ્યા બાદ, તેઓ વિકલ્પ સ્વીકારી કુમાર શાળા નેત્રંગ અને ત્યારબાદ તાલુકાફેર બદલીથી પ્રાથમિક કન્યાશાળા મનુબર (તા. જિ. ભરૂચ) ખાતે ધોરણ ૬ થી ૮ માં ભાષા શિક્ષિકા તરીકે હાલ સમર્પિત ભાવે ફરજ બજાવી રહ્યા છે.
૨૩ માર્ચ ૨૦૦૭થી સેવા શરૂ કરનાર હેતલબેને શિક્ષણને રસપ્રદ બનાવવા ૧૦૦ થી વધુ ડિજિટલ ઇંગ્લિશ શૈક્ષણિક ગેમ્સ, PPT અને ઓનલાઈન ક્વિઝ તૈયાર કરી છે.Edutor એપ અને Google Forms વડે બાળકોને રમત-રમતમાં શિક્ષણ આપે છે. છેલ્લા ૩ વર્ષથી ચિત્ર વર્ણન, વાર્તા અને વિડિયો મેકિંગ જેવી પ્રવૃત્તિઓ કરાવી બાળકોની મૌખિક અભિવ્યક્તિના વિડિયો પોતાની યુટ્યુબ ચેનલ (English with Hetal Rana) પર અપલોડ કરે છે.ઉપરાંત, તેઓ વિદ્યાર્થીઓને વેબ ડિઝાઇનિંગ અને ડિજિટલ સાધનોની તાલીમ પણ આપે છે.
શાળામાં લાઈફ સ્કિલ બાળમેળો, ‘લાઈફ સ્કિલ સેલ્ફી કોર્નર’ તથા રાષ્ટ્રીય તહેવારોની ઉત્સાહભેર ઉજવણી દ્વારા ગ્રામજનો અને દાતાઓનો સાથ-સહકાર મેળવી તેઓ શાળા પરિવારનું ગૌરવ વધારી રહ્યા છે.પોતાની આ સફળતા પાછળ તેઓ અગાઉના અને વર્તમાન શાળા સ્ટાફ, આચાર્યઓ તેમજ ડાયટ પરિવાર ભરૂચના સતત માર્ગદર્શન અને પ્રોત્સાહનને શ્રેય આપે છે.
હિરેનભાઈ પોતે એક દિવ્યાંગ કર્મચારી છે, પરંતુ તેમણે પોતાની દિવ્યાંગતા કે શારીરિક મર્યાદાઓને ક્યારેય શિક્ષણકાર્યમાં બાધા બનવા દીધી નથી.તેમણે જીવનના દરેક સંઘર્ષને એક ચેલેન્જ તરીકે સ્વીકારી, તેને જ સફળતાની સીડી બનાવી છે. તેમની આ ઉત્કૃષ્ટ કામગીરી અને સિદ્ધિ દ્વારા તેમણે સમાજને એક સુંદર પ્રેરણાદાયી સંદેશ આપી પોતાની શાળા અને સમગ્ર ભરૂચ જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ રોશન કર્યું છે.
M.Sc., B.Ed. ની લાયકાત ધરાવત હિરેનભાઈ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઓલના માર્ગદર્શન હેઠળ “મૂક-બધિર બાળકોને વીડિયો દ્વારા શિક્ષણ” પ્રોજેક્ટમાં શૈક્ષણિક વીડિયો પૂરા પાડ્યા છે.આ સાથે તેઓ “સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, ભરૂચ” ની ધોરણ ૯ અને ૧૦ની દીકરીઓને સંપૂર્ણ વિનામૂલ્યે ગણિત-વિજ્ઞાન ભણાવે છે.હિરેનભાઈ પોતે એક દિવ્યાંગ કર્મચારી છે પરંતુ તેમણે તેમના જીવન ને એક ચેલેન્જ તરીકે સ્વીકારી સંઘર્ષને જ સફળતાની સીડી બનાવી તેમની ઉત્કૃષ્ટ કામગીરી અને પારિતોષિક દ્વારા સમાજ ને સુંદર એક સંદેશ આપી તેમની શાળા અને સમગ્ર ભરૂચ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.સંગીતના તાલીમબદ્ધ હોવાથી તેઓ વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક વારસો જાળવવાનું કાર્ય કરે છે તેમજ શિક્ષકોની વિવિધ તાલીમોમાં માસ્ટર ટ્રેનર તરીકે પણ સેવા આપી રહ્યા છે.આગામી ૫મી સપ્ટેમ્બર ‘શિક્ષક દિન’ નિમિત્તે ગાંધીનગર ખાતે આયોજિત રાજ્યકક્ષાના “શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ”માં સરકાર દ્વારા બંને શિક્ષકોને પારિતોષિક અર્પણ કરીને વિશેષ સન્માનિત કરવામાં આવશે.આ ગૌરવવંતી સિદ્ધિ બદલ સંબંધિત શાળાઓના ટ્રસ્ટી મંડળ, આચાર્યઓ , શિક્ષકગણ અને શિક્ષણ પરિવારે બંને શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.તેમની આ બહુભાસી અને સમાજઉપયોગી સેવાઓની નોંધ લઈને રાજ્ય સરકાર દ્વારા તેમની આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે.આગામી ૫મી સપ્ટેમ્બર ‘શિક્ષક દિન’ નિમિત્તે ગાંધીનગર ખાતે આયોજિત “શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ”માં સરકારશ્રી દ્વારા તેમને પારિતોષિક અર્પણ કરીને સન્માનિત કરવામાં આવશે.




