– અકસ્મતમાં 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા તમામ ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા : અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનરના મોત નીપજ્યા
ભરૂચ,
ભરૂચના દેરોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વહેલી સવારે લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે થયેલી ભયાનક ટક્કરે ગમગીની ફેલાવી દીધી હતી.ધોરાજીથી સુરત લગ્નપ્રસંગમાં જાન લઈને જઈ રહેલી બસનો અકસ્માત થતાં લગ્નની ખુશીઓ વચ્ચે મોતનો માતમ છવાયો હતો.આ દુર્ઘટનામાં બસના ચાલક અને ક્લીનરનાં કરુણ મોત નીપજ્યાં હતાં.જ્યારે નાના બાળકો સહિત કુલ 49 જાનૈયાઓ ઈજાગ્રસ્ત થતાં દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર 20 નવેમ્બરના રોજ વહેલી સવારે આશરે 5:30 વાગ્યાના અરસામાં ભરૂચ જીલ્લા માંથી પસાર થતા દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ વે પર દેરોલ નજીક લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી.અકસ્માત એટલો ભયાનક હતો કે બસના ચાલક નવીન દાનાભાઈ ભારાઈ અને ક્લીનર રમેશ ગોવિંદ સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચતાં બંનેનાં મોત નીપજ્યાં હતાં.અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.ઈજાગ્રસ્તોની સંખ્યા વધુ હોવાથી આસપાસની 7થી 8 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી.
108ની ઈ.એમ.ટી.અસ્મા મલેકના જણાવ્યા અનુસાર 6થી 7 વર્ષનાં નાનાં બાળકો સહિત 30થી વધુ મુસાફરોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બીજી તરફ ભરૂચ રૂરલ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.




