આમોદ,
આમોદ તાલુકાના આશા વર્કર બહેનોએ આજે આછોદ,સમની તેમજ માતરના મેડિકલ ઓફિસરો, આમોદ મામલતદાર તેમજ તાલુકા હેલ્થ ઓફિસર (THO) ને પગાર વધારવા તેમજ અન્ય માંગણીઓ સાથે ‘ નારીશક્તિ ઝિંદાબાદ’, ‘ સમાન કામ સમાન વેતન’ ના સુત્રોચાર સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
ગુજરાતની તમામ આશાવર્કર બહેનો રાત દિવસ સતત આરોગ્યને લગતી તમામ સરકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડીને મેન્યુઅલ ફિલ્ડનું કામ કરી જ રહી છે તેમ છતાં એ જ મેન્યુઅલ તમામ કામગીરી ઓનલાઈન કરાવવી છે તો એ મુજબ સારા કવોલીટીના મોબાઈલની માંગણી કરી હતી.
આરોગ્ય વિભાગમાં મામૂલી ઈન્સેન્ટિવના નામ ઉપર આશા વર્કરોનું શોષણ થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.સરકાર દ્વારા મામૂલી વળતર ચૂકવીને સમગ્ર આરોગ્ય વિભાગનો ભાર આશાવર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનોના ખભે નાખી દેવામાં આવે છે. માત્ર ૨૫૦૦ રૂપિયા આપીને શોષણ કરશો તો મહિલાઓ નું શસકતિકરણ કઈ રીતે થવાનું છે?
આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું કે વર્ગ ચારનું મહેકમ ઊભું કરીને કાયમી કર્મચારી બનાવવા માં આવે.બંધારણ મુજબ લઘુતમ વેતન અને સમાન કામ સમાન વેતનનો કાયદો અમલમાં મૂકવામા આવે.શોષણથી ભરપૂર ઈન્સેન્ટિવ પ્રથા રદ કરવામાં આવે ૧૮૦ દિવસની પગાર સહિતની મેટરનીટી લીવ આપવામાં આવે, કામ ના કલાકો નક્કી કરવામાં આવે.રાત્રે લાભાર્થીને થતી ડીલેવરી સમયે સાથે રહેતી આશાવર્કર બહેનોને અલગથી ભથ્થું ચૂકવવામાં આવે.દસ લાખ રૂપિયા જીવન સુરક્ષા વીમો આપવામાં આવે.૪૦ વરસ પછીની તમામ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનોને પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવે.લાભાર્થી ને ડીલેવરી સમયે સાથે બે ત્રણ દિવસ સુધી રાત્રી રોકાણ કરતી આશા વર્કર બહેનો માટે સરકારી, ખાનગી હોસ્પિટલમાં રિફ્રેશ થવા માટે અલદાયી વ્યવસ્થા કરવામાં આવે.દર વર્ષે બજેટમા પગાર વધારો જાહેર કરવો તેમજ દિવાળી બોનસ આપવામાં આવે.દર વર્ષે યુનિફોર્મ સ્વરૂપે સારા કાપડની સાડીઓ આપવામાં આવે.
આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનોની ઉપરોક્ત માંગણીઓ પ્રત્યે જો ઉદાસીનતા દાખવવામાં આવશે તો આવનાર સમય માં ગાંધી ચિંધ્યા માર્ગે રાજ્ય વ્યાપી આંદોલન કરવાની ચીમકી આપી હતી.







