– લગભગ 10 વર્ષથી જેલમાં યુનુસ શેખ ઉર્ફે માંજરાની હાઈકોર્ટે 25 માર્ચે ફગાવેલી જામીન અરજી પર પણ સુપ્રીમની ટકોર
– તપાસ એજન્સી NIA એ 61 સાક્ષીઓને તપાસવામાં 10 વર્ષ લીધા : હજી 58 થી વધુ સાક્ષીઓને તપાસવામાં કેટલો સમય લાગશે સુપ્રીમે ચુકાદો આપતા કરી ટિપ્પણી
– NIA ઝડપથી ટ્રાયલ ચલાવે અને ટ્રાયલ કોર્ટ દ્વારા ઘડાયેલા આરોપ મુજબ પોતાનો કેસ સાબિત કરે : સુપ્રીમે આદેશમાં ટાક્યું
ભરૂચ,
ભરૂચ ભાજપ નેતા શિરીષ બંગાળી અને પ્રેગ્નેશ મિસ્ત્રીની બેવડી હત્યા પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે 10 વર્ષથી જેલમાં રહેલા યુનુસ માંજરાના જામીન કર્યા મંજુર કર્યા છે.
વર્ષ 2015માં ભાજપના બંને આગેવાનોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.યુનુસ માંજરાએ હત્યા માટે બન્ને નેતાઓના નામ સૂચવ્યા હોવાનું બહાર આવ્યું હતું.ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળી અને યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની 2 નવેમ્બર 2015 ના સેવાશ્રમ રોડ પર આવેલ સુર્યા પ્રિન્ટીંગ પ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.તપાસ એજન્સીઓની તપાસમાં દાઉદ ઈબ્રાહીમના સાગરિત જાવીદ ચીકનાએ હિંદુ નેતાઓની હત્યા માટે 50 લાખની સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો.
NIA દ્વારા જે તે સમયે 10 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.ભરૂચ માંથી યુનુસ માંજરાની ધરપકડ કરાઈ હતી.જેને 25 માર્ચ 2025 એ ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાયલ પેન્ડિગ જામીન અરજી કરતા કોર્ટે ફગાવી દીધી હતી.આ દરમ્યાન ઓગસ્ટ 2025 માં NIA દ્વારા ભરૂચમાં યુનુસ માંજરાની મિલકત ટાંચમાં લઈ સીલ કરાઈ હતી.
લગભગ 10 વર્ષથી જેલમાં રહેલા યુનુસ માંજરાએ તેના 5 વકીલો મારફતે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.જેની સુનાવણી 27 ઓકટોબરના રોજ ડિવિઝન બેચમાં ન્યાયાધીશ જે.બી.પારડીવાલા અને કે.વી.વિશ્વનાથન દ્વારા હાથ ધરાઈ હતી.
બન્ને ન્યાયાધીશો સમક્ષ NIA ના ધરાશાસ્ત્રીઓ અને આરોપીના વકીલોએ રજૂઆતો કરી હતી.સુપ્રીમ કોર્ટ દ્વારા બન્ને પક્ષને સાંભળ્યા બાદ હાઈકોર્ટ અને તપાસ એજન્સી NIA બન્નેને ટકોર કરાઈ હતી.
સુપ્રીમ કોર્ટ નોંધ લીધી હતી કે કેસ 10 વર્ષથી અંડર ટ્રાયલ છે અને આરોપી મોહંમદ યુનુસ શેખ ઉર્ફે માંજરો જેલમાં છે.તપાસ એજન્સીએ 10 વર્ષમાં 61 સાક્ષીઓને તપાસ્યા છે અને હજી 58 થી વધુ સાક્ષીઓને તપાસવાનો પ્રસ્તાવ છે.જે જોતા કેટલો સમય લાગશે તે નક્કી નથી.નજીકના ભવિષ્યમાં ટ્રાયલ પૂર્ણ થવાની નથી.તે હકિકતને ધ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટ આરોપી યુનુસના ટ્રાયલ પેન્ડિગ જામીન મંજુર કર્યા હતા.આ અંગે અગાઉ જામીન ફગાવનાર હાઈકોર્ટનું પણ ધ્યાન દોરી ટકોર કરી હતી.સાથે જ ટ્રાયલ કોર્ટને જામીન માટે જે કોઈ શરતો લાદવી હોય તે માટે પણ સૂચન કર્યું હતું.







