– ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦ મી જન્મજયંતિની ઐતિહાસિક ઉજવણીમાં સહભાગી થવા ગ્રામજનોને ભાવભીનું આમંત્રણ પાઠવતા નાયબ મુખ્યમંત્રી
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરૂડેશ્વર તાલુકાના ઈન્દ્રવર્ણા ગામે ખાટલા પરિષદ યોજી ગ્રામજનોને દેડિયાપાડા ખાતે આયોજિત ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦ મી જન્મ જયંતિની ઐતિહાસિક ઉજવણીમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું.આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
શિયાળાની ઠંડી રાત્રીમાં હર્ષ સંઘવીના પ્રેરક સંબોધનથી ગ્રામજનોનું ઉષ્માવર્ધન થયું હતું. સંઘવીએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે, દેશ અને આદિવાસી સમાજના ઉન્નતિ માટે પોતાના જીવનનું અવિસ્મરણીય યોગદાન આપનાર ભગવાન બિરસા મુંડા કરોડો લોકો માટે પ્રેરણારૂપ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવવાનો નિર્ણય કર્યો છે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે જેમ અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાનિધ્યમાં રાષ્ટ્રીય સ્તરે ઉજવાઈ હતી.તેમ હવે આ જ પાવન ધરતી પર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી ઐતિહાસિક બનશે.તેમણે ઉમેર્યુ કે, આ ઉત્સવ માત્ર આદિવાસી સમાજનો નહીં પરંતુ સમગ્ર દેશના નાગરિકોનો ઉત્સવ છે.નર્મદા જિલ્લાની આજ ધરતી પર તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો અને હવે ફરીથી આ પવિત્ર ધરતી પરથી રાષ્ટ્રીય એકતાનો સંદેશ પ્રસારિત થવાનો છે. ભગવાન બિરસા મુંડાની ઉજવણી ઐતિહાસિક છે.
અંતે હર્ષ સંઘવીએ હર્ષની લાગણી સાથે કહ્યું કે, હું ઈન્દ્રવર્ણા તેમજ આસપાસના તમામ ગામોના પ્રિય ગ્રામજનોને ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતીના આ પવિત્ર અને ઐતિહાસિક પ્રસંગે સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવું છું. આપ સૌ અવશ્ય પધારી, આ ભવ્ય ઉજવણીના સાક્ષી બનશો. અવશ્ય પધારશો.
ત્યારે અહીં હું ઈન્દ્રવર્ણા સહિત આસપાસના તમામ ગામો અને ગ્રામજનોને ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીના આ શુભ અવસરે આમંત્રણ પાઠવું છું. અવશ્ય પધારશો.
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિજાતિ સમુદાયના પરાક્રમ,બલિદાન અને વૈભવી સાંસ્કૃતિક વારસાને જનજન સુધી પહોંચાડવા માટે ૧૫ નવેમ્બરને ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો સંકલ્પ કર્યો છે.આ વર્ષે આ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય ઉજવણી વડાપ્રધાનશ્રીની પ્રેરક ઉપસ્થિતિ અને અધ્યક્ષસ્થાને નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આવતીકાલે તા. ૧૫મીએ ભવ્ય ઉજવણી થશે.આ પ્રસંગને લઈને ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને તેમણે ભગવાન બિરસા મુંડાના જયઘોષ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આમંત્રણને હર્ષભેર સ્વીકાર્યું હતું.







