– કંપનીમાં રહેલા 3 ટન ટોલ્વીન કેમિકલના કારણે વિસ્ફોટ થયો હોવાની આશંકા
– ત્રણ મૃતકોના પરિજનોને ₹20 – 20 લાખ આપવાની પ્રાથમિક જાહેરાત
– કંપની સંચાલકો સામે કાર્યવાહી સાથે DISH અને GPCB એ હાથધરી તપાસ
ભરૂચ,
વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી વિશાલ્યકરણી ફાર્માકેમમાં મંગળવારે મધરાતે થયેલા વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી.જેના સીસીટીવી સામે આવ્યા હતા.ઘટનામાં 24 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા જયારે 3 કામદારોના કરુણ મોત થયા હતા.હોનારતના 24 કલાક બાદ ત્રીજા કામદારનો મૃતદેહ ગુરુવારે મળ્યો હતો.
ભરૂચ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટનાના કારણોની તપાસ કરી રહી છે અને DISH ના પ્રયાસોથી મૃત કર્મચારીઓ ધર્મેન્દ્ર મોહર, મનીષ કુમાર તેમજ સૂરજ કુમારના પરિજનોને કંપની તરફથી પ્રાથમિક 20 લાખનું વળતર અપાવવાની હાલ જાહેરાત કરાઈ હતી.તો કંપની માલિક ગૌતમ પટેલ અને અતુલ પટેલ સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરાઇ છે.DISH સાથે GPCB એ પણ કંપની સંચાલકો સામે કાર્યવાહી કરવા ગાંધીનગર વડી કચેરીને રિપોર્ટ કર્યો છે.દરમ્યાન 7 લોકોને થયેલી ગંભીર ઈજામાં તેઓ હાલ જોખમથી બહાર સલામત હોવાના અહેવાલો સામે આવ્યા છે.
વિશાલ્યાકરણી ફાર્માકેમ કંપનીમાં ગત મોડી રાત્રે થયેલા પ્રચંડ બ્લાસ્ટને કારણે કંપનીનું માળખુ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયુ હતુ.આજે લાપતા ત્રીજા કર્મચારીનો મૃતદેહ મળતા બચાવ કામગીરી પૂર્ણ જાહેર કરાઈ હતી.બ્લાસ્ટમાં આસપાસની કંપનીઓના કર્મચારીઓ સહિત 24 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.જેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી હતી.જ્યારે બ્લાસ્ટની તીવ્રતાને કારણે આસપાસની અનેક કંપનીઓને નુકસાન થવા પામ્યુ હતુ.આ ગંભીર ઔદ્યોગિક દુર્ઘટનાના મૂળ કારણોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
પ્રાથમિક અંદાજ મુજબ 3 ટન જેટલા ટોલ્વીન કેમિકલના કારણે આ વિસ્ફોટ થયો હોવાની આશંકા છે.ઘટના સ્થળ પર ASP અજય કુમાર મીના, વાગરા PI ગોહિલ, FSL અધિકારી વી.આર પટેલ અને ફેક્ટરી ઈન્સ્પેક્ટર સહિતના વહીવટી અધિકારીઓની ટીમે મુલાકાત લઈને સ્થળ તપાસ હાથધરી હતી.
આ ઘટનાએ જોખમી ઔદ્યોગિક એકમોના સંચાલનમાં સલામતીના નિયમોના પાલન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.દોષિતો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.







