(ભાવેશ પંડ્યા,ભાલોદ)
ગુજરાતની પરંપરાગત લોકકલાઓમાં બહુરૂપી એક એવી અનોખી કલા છે જેમાં કલાકાર પળવારમાં પોતાનું રૂપ,હાવભાવ અને અવાજ બદલી અનેક પાત્રો જીવંત કરી મૂકે છે.આધુનિક યુગમાં જ્યારે મનોરંજનના નવા–નવા સાધનો વધી રહ્યા છે,ત્યારે પણ કેટલાક કલાકારો એવા છે જે આ લોકકલાને માત્ર જીવંત જ નથી રાખતા,પરંતુ જ્ઞાન સાથે ગમ્મત પીરસીને લોકોનું મન પણ જીતી રહ્યા છે.
ઝઘડિયા તાલુકાના ભાલોદ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ગામે– બહુરૂપીની આવનજાવન વધતા લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. પરંપરાગત લોકકલાનો જીવંત ભાગ ગણાતા બહુરૂપી કલાકારો મેકઅપ અલગ અલગ,વેશભૂષા ઘારણ કરી ગામે ભમતા લોકોનું મનોરંજન કરી રહ્યા છે.
ભરૂચ જીલ્લાના ઝઘડીયા ભાલોદ ગામમાં એક બહુરૂપીએ ભગવાન શિવ, હનુમાનજી – રાવણ- અને જુદા–જુદા પૌરાણિક પાત્રોના વેશ ધારણ કરી પ્રદર્શન આપ્યું હતું.નાના બાળકો મોટી સંખ્યામાં ભેગા થઈને આ લોકકલા નિહાળી હતી.અનેક સ્થળે લોકો બહુરૂપી ને દક્ષિણા અર્પણ કરતા નજરે પડ્યા હતા.ગામના વડીલો કહે છે કે બહુરૂપી ભારતીય લોકસંસ્કૃતિનો અનોખો ભાગ છે અને આવા કલાકારો ગામડે આવે ત્યારે જૂની પરંપરાઓની યાદ તાજી થાય છે.બીજી તરફ યુવાનો સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો વાયરલ કરી રહ્યા છે.
સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે આજના ટેકનોલોજીના સમયમાં આવી લોકકલા જોવા મળવી દુર્લભ છે અને આવા કલાકારોને પ્રોત્સાહન આપવું જોઈએ.અનેક ગામોમાં બહુરૂપીની હાજરીને લઈને ઉત્સાહપૂર્ણ વાતાવરણ સર્જાયું છે.







