(જયશીલ પટેલ,ઝઘડીયા)
ડીસીએમ શ્રીરામ લિમિટેડની પરોપકારી શાખા ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશન અને ભરુચ જિલ્લા પ્રશાસનના સહયોગથી ઝઘડિયા ગ્રામ પંચાયત ખાતે અમલમાં મુકાયેલા ગુજરાતના પ્રથમ ‘ઝીરો વેસ્ટ–ઝીરો કોસ્ટ’ ગ્રામ્ય ઘન કચરા વ્યવસ્થાપન મોડેલના અભ્યાસ માટે જીલ્લાના તલાટીઓની ત્રણ દિવસીય એક્સપોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર ગૌરાંગ મકવાણા તથા જીલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના માર્ગદર્શન હેઠળ આયોજીત આ કાર્યક્રમમાં જીલ્લાના વિવિધ તાલુકાઓ માંથી આવેલા કુલ ૧૨૩ પંચાયતના તલાટીઓએ ભાગ લીધો હતો.આ મુલાકાત દ્વારા ભાગ લેનાર અધિકારીઓએ સ્વચ્છ ભારત મિશન હેઠળ ગામે-ગામે અમલમાં મૂકી શકાય તેવી સાતત્યપૂર્ણ ગ્રામ્ય સ્વચ્છતા પદ્ધતિઓ વિષે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.ત્રણ દિવસ દરમ્યાન તમામ પ્રતિભાગીઓએ નીચેના વિષયો પર લાઈવ પ્રદર્શન, પ્રાયોગિક તાલીમ સત્રો અને ઈન્ટરએક્ટિવ લર્નિંગ મોડ્યુલ્સમાં ભાગ લીધો હતો.ઘરસ્તરે તથા સમુદાય સ્તરે ભીના અને સૂકા કચરાની છટણી, ભીના કચરા માંથી ઓછા ખર્ચે ખાતર બનાવવાની પદ્ધતિઓ, વિકેન્દ્રિત કચરા પ્રક્રિયા તકનીકો,ગ્રામ્ય વિસ્તારોને અનુરૂપ સુરક્ષિત ઘન કચરા નિકાલ પદ્ધતિઓ, ગુજરાતના પ્રથમ સેનિટેશન પાર્કનું પ્રદર્શન,આ પ્રેરણા પ્રવાસ દ્વારા તાલાટીઓએ જાણ્યું કે કેવી રીતે ભીનાં અને સૂકા કચરાનું વ્યવસ્થાપન સરળ, સમુદાય કેન્દ્રિત પદ્ધતિઓ દ્વારા,ખૂબ ઓછા નાણાકીય ખર્ચે કરી શકાય છે,જેનાથી સામાજિક તથા પર્યાવરણીય ક્ષેત્રે ઊંચો લાભ મેળવી શકાય. કાર્યક્રમ દરમિયાન સમુદાયના વર્તન પરિવર્તન, સક્રિય ભાગીદારી અને સ્થાનિક માલિકીભાવની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.જે લાંબા ગાળે ગ્રામ્ય સ્વચ્છતા પદ્ધતિઓના તાકાઉપણાને સુનિશ્ચિત કરે છે. આ પહેલમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની પણ સક્રિય ઉપસ્થિતિ રહી હતી.જેમાં ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) નિકુંજ પટેલ, ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી (રેવન્યુ) જી.એમ.બોરાડ અને તાલુકા વિકાસ અધિકારી ઝઘડિયા ધ્રુવ પટેલે પ્રતિભાગીઓ સાથે સંવાદ સાધી, ગ્રામ્ય સ્તરે સ્વચ્છતા મજબૂત કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ સંદીપ વરિઆ અને રજનીકાંત ટંડેલ દ્વારા ચાલી રહેલી સ્વચ્છતા પહેલોના અનુભવ શેર કરીને સહયોગ આધારિત તથા વ્યાપકપણે અમલ કરી શકાય તેવા ઘન કચરા વ્યવસ્થાપન મોડેલના મહત્ત્વને પુનઃપ્રસ્તુત કર્યું હતું.ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશન, જિલ્લા પ્રશાસન તથા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલનથી કાર્ય કરીને ઓછી કિંમતવાળી, સમુદાય દ્વારા સંચાલિત અને પર્યાવરણમૈત્રીપૂર્ણ સ્વચ્છતા પદ્ધતિઓને પ્રોત્સાહન આપતા રહીને ભરુચ જિલ્લાના વધુ સ્વચ્છ, સ્વસ્થ અને ટકાઉ ગામો નિર્માણ કરવા પ્રતિબદ્ધ છે.




