– ૩ ગોલ્ડ મેડલ,૧ સિલ્વર મેડલ તથા ૧ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા
ભરૂચ,
મધ્યપ્રદેશ રાજ્યના દેવાસ શહેર ખાતે તારીખ ૧૦ ડિસેમ્બરથી ૧૪ ડિસેમ્બર દરમ્યાન યોજાયેલી નેશનલ સ્તરની સોફ્ટ ટેનીસ રમત સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને જીલ્લાનું નામ રાષ્ટ્રીય ફલક પર ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે.
દેશભરના વિવિધ રાજ્યો માંથી ભાગ લેનારા ખેલાડીઓ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં ભરૂચ જીલ્લા માંથી કુલ ૧૪ જેટલા ખેલાડીઓ રમવા ગયા હતા.જેમાં ભરૂચ જીલ્લાના ખેલાડીઓ કુલ મળીને ૩ ગોલ્ડ મેડલ, ૧ સિલ્વર મેડલ તથા ૧ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે.આ સાથે જ ગુજરાત રાજ્યને ૪ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૪ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
આ સ્પર્ધામાં ભરૂચ જીલ્લાના કશ્યપ નિલેશ પટેલે ઈન્ડિવિજ્યુઅલ અન્ડર-૧૪ ઈવેન્ટમાં ઉત્કૃષ્ટ રમત પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીત્યો છે.ઉપરાંત બહેનોની અન્ડર-૧૪ કેટેગરીમાં ખનક શ્યામ પટેલે પોતાની શ્રેષ્ઠ ક્ષમતા દર્શાવી ગોલ્ડ મેડલ મેળવી ભરૂચ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.ટીમ ઈવેન્ટમાં હેમ મહેતાએ ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ કરતાં ગોલ્ડ મેડલ અપાવી રાજ્યને ગર્વ અનુભવાવ્યું છે.
આ સિવાય ભરૂચ જીલ્લાના જશ દરજી, વ્રજ પટેલ અને એરિક પરમારે ટીમ ઈવેન્ટમાં ઉત્કૃષ્ટ સમન્વય અને રમતકૌશલ્ય દર્શાવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. તેમજ અન્ડર-૧૪ ભાઈઓની સ્પર્ધામાં કશ્યપ પટેલ અને રેયાંશ મકવાણાએ કઠિન સ્પર્ધા વચ્ચે સરાહનીય રમત પ્રદર્શન કરી સિલ્વર મેડલ મેળવી ભરૂચ જીલ્લાની મેડલ ટેલીમાં ઉમેરો કર્યો છે.અન્ડર-૧૭ બહેનોમાં જીવિકા શાહ અને ખૂબી જૈન એ પણ નોંધ પાત્ર દેખાવ કરી ગુજરાતને સિલ્વર મેડલ અપાવ્યો છે.
ભરૂચ જીલ્લાના ખેલાડીઓની આ સિદ્ધિ તેમની સતત મહેનત,શિસ્તબદ્ધ તાલીમ અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પરિણામ છે.ખેલાડીઓને તેમના કોચીસ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન, પરિવારજનોનો સહયોગ તથા જિલ્લા રમતગમત વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવેલી સુવિધાઓએ આ સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભરૂચ જીલ્લામાં રમતગમત ક્ષેત્રે થઈ રહેલા વિકાસનો આ સિદ્ધિ સ્પષ્ટ પુરાવો છે.
આ પ્રસંગે જીલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ તેમજ રમતગમત અધિકારી રાજનસિંહ ગોહીલ દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે તથા આવનાર સમયમાં તેઓ રાજ્ય, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સફળતા પ્રાપ્ત કરી ભરૂચ તથા ગુજરાતનું નામ વધુ ઉજાગર કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી છે. તેઓના કોચ આર્ચી ગોહીલ, રાહુલ પાટીલ અને મહીદીપસિંહ ગોહીલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સિદ્ધિ ભરૂચ જીલ્લાના યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે અને વધુ યુવાનો રમતગમત ક્ષેત્રે જોડાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.




