ભરૂચના ધર્મનગર નજીક છેલ્લા ૨૧ દિવસથી મોઢાના ભાગે પ્લાસ્ટિકની બરણી ફસાતા પીડાતા શ્વાનનું રેસ્ક્યુ

SHARE:

ભરૂચ,

ભરૂચ શહેરના ભોલાવ પંચાયત વિસ્તારના ધર્મનગર નજીક એક શ્વાન છેલ્લા ૨૧ દિવસથી ગંભીર પીડામાં હતું.ખોરાક ખાતા સમયે શ્વાનના મોઢાના આગળના ભાગથી ગળા સુધી પ્લાસ્ટિકની બરણી ફસાઈ જતાં તે ખાવા-પીવામાં અસમર્થ બની ગયું હતું અને તેના જીવને ગંભીર જોખમ ઊભું થયું હતું.

આ બનાવની જાણ સ્થાનિક રહીશ પાર્થ પરીખ દ્વારા જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કરવામાં આવી હતી.જાણ મળતાની સાથે જ હિરેન શાહ તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા.પરંતુ વિસ્તાર ખુલ્લો અને ઝાડી-ઝાંખરવાળો હોવાના કારણે શ્વાન પકડમાં આવતું ન હતું.અંતે ૨૧ દિવસની ભારે જહેમત બાદ વન વિભાગના અધિકારીઓ તથા અન્ય જીવદયા પ્રેમીઓની મદદથી ગત રાત્રિના રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ દરમ્યાન શ્વાનને પકડી તેના મોઢામાં ફસાયેલી પ્લાસ્ટિક બરણી સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી.જેના કારણે શ્વાનનો જીવ બચાવી શકાયો.આ માનવતાભર્યા પ્રયાસ બદલ સ્થાનિક રહેવાસીઓએ જીવદયા પ્રેમીઓ તથા રેસ્ક્યુ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!