– ઝઘડિયા જીઆઈડીસી પોલીસે કુલ રૂપિયા ૧.૮૪ લાખનો મુદ્દામાલ કબ્જે લઈને કુલ છ ઈસમોને ઝડપી લીધા
– જીઆડીસીની કંપની માંથી મેગ્નેશિયમની ચોરી થયા બાબતે પોલીસમાં ગુનો નોંધાયો હતો
(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા જીઆઈડીસી પોલીસે દધેડા ગામ નજીક ઝાડી ઝાંખરામાં સંતાડી રાખેલ ચોરીના મેગ્નેશિયમના ટુકડા ભરેલ છ બેગો સાથે ચાર ઈસમોને ઝડપી લીધા હતા.જ્યારે તપાસ દરમ્યાન અન્ય બે ઈસમોને ઝડપી લઈને કુલ છ ઈસમોની અટકાયત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઝઘડિયા જીઆઈડીસીની પેન્ટાફોસ કંપનીના વેરહાઉસ માંથી મેગ્નેશિયમ ભરેલ સાત બેગોની ચોરી થઈ હોવાની ફરિયાદ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાઈ હતી.
ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ગણતરીના સમયમાં આ ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઈડીસી પીએસઆઈ પી.કે.રાઠોડના માર્ગદર્શન હેઠળ જીઆઈડીસી પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળેલ કે દધેડા ગામ નજીક ઝાડી ઝાંખરામાં ચાર ઈસમોએ મેગ્નેશિયમના ટુકડા ભરેલ છ જેટલી બેગો સંતાડી રાખી છે અને મોટ રસાયકલ પર તેને સગેવગે કરવાની ગોઠવણમાં છે.પોલીસ ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને સદર ચાર ઈસમો (૧) જયેશભાઈ ભાનુભાઈ વસાવા રહે.દધેડા ગામ તા.ઝઘડિયા જી.ભરૂચ (૨) મનોજભાઈ ફતેસિંગભાઈ વસાવા રહે.વાસણા ગામ તા.ઝઘડિયા જી.ભરૂચ (૩) હુસેન નાજીમ રહે.દધેડા તથા (૪) કિશનભાઈ ઉમેશભાઈ વસાવા રહે.તવરા ગામ તા.જી.ભરૂચનાને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે અન્ય બે ઈસમો (૧) અવધેશ છત્રસાલ સિંઘ હાલ રહે. દધેડા ગામ અને મુળ રહે.ઉત્તરપ્રદેશ તેમજ (૨) સુબોત રવિન્દ્રસિંગ તોમર હાલ રહે.દધેડા ગામ અને મુળ રહે. ઉત્તરપ્રદેશનાને તપાસ દરમ્યાન ઝડપી લીધા હતા. પોલીસે મેગ્નેશીયમ મટીરીયલના ટુકડા ભરેલ છ નંગ બેગો,બે મોટર સાયકલો તેમજ મોબાઈલ નંગ ૦૪ મળી કુલ રૂપિયા ૧,૮૪,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.







