ભરૂચ જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લા જેલ ખાતે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ સ્નેહના પ્રતિક એવા રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી.જેલની ચાર દિવાલો વચ્ચે સજા ભોગવી રહેલા બંદિવાનો માટે આ દિવસ લાગણીઓથી ભરેલો રહ્યો હતો.

રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે બંદિવાનોની બહેનો જેલ ખાતે ઉપસ્થિત રહી પોતાના ભાઈ એવા બંદિવાનોને તિલક કરી, મો મીઠુ કરાવી પ્રેમપૂર્વક રાખડી બાંધી ભાઈ-બહેનના પવિત્ર સંબંધને જીવંત રાખ્યો હતો.બહેનોએ પોતાના ભાઈના સુખ, શાંતિ, સારા સ્વાસ્થ્ય તથા ઉજ્જવળ ભવિષ્ય અને જલ્દી જેલમુક્ત થાય તે માટે પ્રાર્થના કરી હતી.લાંબા સમય બાદ ભાઈ-બહેન વચ્ચે સર્જાયેલો લાગણીસભર મિલનનો માહોલ હૃદયસ્પર્શી રહ્યો હતો.બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવતા બંદિવાનોમાં પણ ભાવનાત્મક લાગણી જોવા મળી હતી અને અનેક બંદિવાનો ભાવુક બન્યા હતા.

રક્ષાબંધન નિમિત્તે ભરૂચ જિલ્લા જેલ ખાતે જેલ પ્રિમાઈસીસમાં બંદિવાનો અને તેમના પરિવારજનો વચ્ચેના પારિવારિક સંબંધો અને લાગણીસભર જોડાણને મજબૂત બનાવવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.જેલમાં રહેલા બંદિવાનોને પોતાના પરિવાર સાથેના સંબંધો જાળવી રાખવા તથા સકારાત્મક જીવન તરફ આગળ વધવા માટે આવા પ્રસંગો પ્રેરણારૂપ બની રહે છે. ગુજરાત જેલ વિભાગનો મુખ્ય ઉદ્દેશ માત્ર બંદિવાનોને સજા આપવાનો નહીં પરંતુ તેમનામાં માનવીય મૂલ્યો, જવાબદારી, પારિવારિક લાગણી અને સમાજમાં પુનઃસ્થાપિત થવાની ભાવના વિકસાવવાનો છે. રક્ષાબંધન જેવા તહેવારો બંદિવાનોના માનસિક અને સામાજિક પુનર્વસનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

કાર્યક્રમ દરમ્યાન જેલ અધિક્ષક એન.પી.રાઠોડનાઓ દ્વારા બંદિવાનો તથા તેમના પરિવારજનોને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને ભાવનાત્મક વાતાવરણમાં સંપન્ન થયો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!