– સરકારે રાજીનામા મંજૂર કરી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર જે.બી.પંચાલને વધારાનો ચાર્જ સોંપ્યો
ભરૂચ,
ભરૂચ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યા તેમજ મદદનીશ સરકારી વકીલ નીલમ મિસ્ત્રીએ અચાનક સરકારમાં રાજીનામું ધરી દેતાં ભારે ચકચાર મચી ગઈ છે.સરકારે આ રાજીનામા મંજૂર કરીને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર જે.બી. પંચાલને જિલ્લા સરકારી વકીલનો વધારાનો ચાર્જ સોંપી દીધો છે.જોકે બંને વકીલોએ અચાનક લીધેલા આ આકરા નિર્ણય પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે અને બંને પક્ષે સંપૂર્ણ મૌન સેવવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે પરેશ પંડ્યા રાજ્યના અનેક ચકચારી કેસોમાં સરકાર પક્ષે મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યા છે.જેમાં ઝઘડિયામાં બાળકી પર દુષ્કર્મ-હત્યા કેસમાં એક પણ રૂપિયો ફી લીધા વિના આરોપીને ફાંસીની સજા અપાવવાનો મામલો, હાંસોટ રમખાણો અને ડબલ મર્ડર કેસ, વટારીયા સુગરમાં ગેરવહીવટનો કેસ અને હીરા જોટવા સામેનું મનરેગા કૌભાંડ-દરેક કેસમાં તેમણે દમદાર દલીલો કરી હતી.બીજી તરફ બે સરકારી વકીલોના રાજીનામા બાદ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન વિભાગ પણ ચિંતિત બન્યું છે. કચેરીએ આ રાજીનામા અસ્વીકાર કરી બંનેને ફરજ પર યથાવત રાખવા સરકારને ભલામણ કરી છે.વર્ષ ૨૦૨૨માં નિમાયેલા ૫ પૈકી ૪ મદદનીશ વકીલો વિવિધ કારણોસર સેવામુક્ત થઈ જતાં ભરૂચ જિલ્લા કોર્ટમાં વકીલોના મહેકમની ગંભીર કટોકટી સર્જાઈ હોવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે.




