ભરૂચ,
પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી ગુજરાત રાજ્ય જેલ ભવન અમદાવાદના માર્ગદર્શન હેઠળ તથા ઈન્ચાર્જ અધિક્ષક એન.પી.રાઠોડના નેતૃત્વ હેઠળ ભરૂચ જિલ્લા જેલ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે “રુદ્ર પૂજા”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આર્ટ ઓફ લિવિંગ વૈદિક ધર્મ સંસ્થાન ભરૂચના કો-ઓર્ડીનેટર સંગીતા શુક્લાના સહયોગથી પંડિતજી તથા સ્વામીજી દ્વારા સંપૂર્ણ વૈદિક વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે રુદ્ર પૂજા કરવામાં આવી હતી.રુદ્ર પૂજાના પવિત્ર મંત્રોચ્ચાર અને ધાર્મિક વાતાવરણના માધ્યમથી જેલ પરિસરનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને તેમજ જેલમાં રહેલા દરેક વ્યક્તિમાં હકારાત્મક અભિગમ,આત્મશાંતિ અને માનવીય મૂલ્યોનું ઉત્થાન થાય તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા જેલના બંદીવાનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમ્યાન સમગ્ર જેલ પરિસરમાં આધ્યાત્મિક અને શાંતિપૂર્ણ માહોલ સર્જાયો હતો.જેલ વહીવટીતંત્ર દ્વારા આવા આધ્યાત્મિક તથા સુધારાત્મક કાર્યક્રમોના આયોજનથી બંદીવાનોમાં સકારાત્મક વિચારો, આત્મવિશ્વાસ અને માનવીય સંવેદનાઓને પ્રોત્સાહન મળે તે દિશામાં સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.




