– ખેડૂતોનો વિરોધને સમર્થન કરવા નર્મદા ભાજપાના આગેવાનો પણ જોડાયા : સરકાર સામે ભાજપા ના જ આગેવાનોએ બાયો ચડાવી
– ખેડૂતોની જમીન સંપાદન ન કરવાની રજુઆત કરી નર્મદા કલેકટરને આવેદન આપ્યું : સંપાદન સામે ખેડૂતોનો સખત વિરોધ હોવા છતા સરકારના અલ્લડ વલણ સામે ઉગ્ર આંદોલન ની આપી ચીમકી
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એન.એચ- ૫૬) ના કામે સંપાદનની કાર્યવાહી સામે નર્મદાના ખેડૂતોનો ભારે વિરોધ નોંધાવ્યો છે.જેમાં ખેડૂતોના વિરોધને સમર્થન કરવા નર્મદા ભાજપાના આગેવાનો પણ જોડાયા હતા.
સરકાર સામે ભાજપા ના જ આગેવાનોએ બાયો ચડાવતા તંત્ર પણ મૂંઝવણ માં મુકાયું છે.આજે નર્મદા ના ખેડૂતો સહીત ભાજપા આગેવાનો નર્મદા સુગર ના ડિરેક્ટર કમલેશ પટેલ,રાજપીપલા શહેર ભાજપાના પૂર્વ પ્રમુખ રમણસિંહ રાઠોડ સહીત ભાજપાના આગેવાનો પણ ખેડૂતના સમર્થનમાં જોડાઈને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
ખેડૂતોએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે અરજદારોની જમીનો નર્મદા જીલ્લામાં કી.મી ૧૩૨+૨૫૦ થી કી.મી ૧૭૯+૭૦૦ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૫૬ ના નિર્માણ જાળવણી વ્યવસ્થાપન અને સંચાલન માટેના જાહેરનામુ પ્રસિધ્ધ કરી જમીન સંપાદન કરવાની આશયની જાહેરાત કરેલ હતી.એક નાના વળાંકને બાયપાસ કરવા માટે કુલ ૩ સોસાયટી અને આદીવાસીઓની જમીનોનો ભોગ લેવામાં આવી રહેલ હોવાથી અમો અરજદારોએ વાંધાઓ રજુ કરી સંપાદન સામે સખત વિરોધ દર્શાવેલ હતો.
પરંતુ સરકાર દ્વારા અરજદારોની રજુઆત, વાંધાઓ, વિરોધ ધ્યાને લેવામાં આવેલ ન હતા. જો જમીન સંપાદનની કાર્યવાહી થશે તો ખેડૂતોની જમીનમાં રોડ બનાવવામાં આવે તો અરજદારોની જમીનના ટુકડા થઈ જાય તેઆજુબાજુની જમીનમાં પાણી ભરાઈ જવાની ભીતિ સેવી હતી.આ કારણે સંપાદન થયેલ જમીન સિવાયની જમીનમાં પણ પાક લઇ શકશે નહી.ખેડૂતોની જમીન સંપાદન ન કરવાની રજુઆત કરી નર્મદા કલેકટર ને આવેદન આપ્યું હતું અને સંપાદન સામે ખેડૂતોનો સખત વિરોધ હોવા છતા સરકારના અલ્લડ વલણ સામે ઉગ્ર આંદોલન ની ચીમકીપણ આપી હતી.




