ભરૂચ,
આમોદ નગરપાલિકામાં નાગરિક સુવિધાઓના અભાવે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે.શહેરના અનેક વિસ્તારોમાં સ્વચ્છતા,ગટર વ્યવસ્થા, પીવાનું પાણી, સ્ટ્રીટ લાઈટ અને કચરો ઉઘરાવવાની ડોર ટુ ડોર કામગીરી અંગે નાગરિકોમાં ભારે અસંતોષ છે.
આમોદ પાલિકા વિસ્તારમાં જ્યાં નજર ફેરવો ત્યાં ગંદકી ફેલાઈ છે. સ્ટ્રીટલાઈટો અનેક વિસ્તારોમાં બંધ છે અથવા ખરાબ હાલતમાં છે.જેના કારણે રાત્રિ સમયે અકસ્માતો અને અસુવિધા સર્જાય છે.મીઠું પાણી સપ્લાયની અનિયમિતતા તેમજ ગટર ઉભરાવાની સમસ્યા વારંવાર ઉદ્દભવે છે. ગટરના તૂટેલા ઢાંકણાં, અને અપર્યાપ્ત સફાઈના કારણે આરોગ્યની સમસ્યાઓ પણ વધી રહી છે.તે જ સાથે, પાલિકા સંચાલિત “ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની સેવા” છેલ્લા દસથી વધુ દિવસોથી અનેક વિસ્તારોમાં બંધ હોવાનું નાગરિકોનો આક્ષેપ છે.આ સ્થિતિથી કંટાળી આમોદ શહેર કોંગ્રેસના યુવા પ્રમુખ તથા જાગૃત નાગરિકોએ પાલિકા વિરુદ્ધ આશ્ચર્યજનક રીતે વિરોધ નોંધાવ્યો છે.
યુવા કોંગ્રેસ પ્રમુખના રહેણાંક વિસ્તારમાં દસ દિવસથી કચરો ઉપાડવા માટે વાહન ન આવતા, તેમણે નિયમનું પાલન કરતા કચરો ગમે ત્યાં ન ફેંકી પોતાના ઘરઆંગણે જ એકઠો કર્યો હતો.અનેક રજૂઆતો છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં આજે તેમણે પાલિકા કચેરીમાં જઈ એસઆઈ સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો અને ટેબલ ઠાલવી વિરોધ નોંધાવ્યો હતો.
સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, શહેરમાં હાલ ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે અને રોગચાળો ફેલાવાની સ્થિતિ સર્જાઈ છે. પાલિકા પાસે ડી.ડી.ટી. પાવડર હોવા છતાં તેનો છંટકાવ કરવામાં આવતો નથી અને ઉપલબ્ધ પાવડર પણ એક્સપાયર થઈ ચૂક્યો છે.
આ પરિસ્થિતિ સામે નાગરિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.લોકોનું કહેવું છે કે પાલિકા માત્ર કાગળ પર યોજનાઓ બતાવે છે, હકીકતમાં કામગીરી નાબૂદ છે.શહેરમાં અનેક વખત સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા હોવા છતાં તંત્ર તરફથી કોઈ સુધારાત્મક પગલાં લેવામાં આવતા નથી.
સ્થાનિક નાગરિકો તથા યુવા કોંગ્રેસ પ્રમુખે માંગણી કરી છે કે નગરપાલિકાના સત્તાધીશો અને સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવે, જેથી જવાબદારી નક્કી થઈ શકે અને નાગરિક સુવિધાઓમાં સુધારાની શરૂઆત થઈ શકે.
આ ઘટનાએ આમોદ શહેરમાં રાજકીય તથા પ્રશાસનિક સ્તરે ચર્ચાનો માહોલ ઊભો કર્યો છે. નાગરિકો હવે આશા રાખી રહ્યા છે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે ગંભીરતાથી ધ્યાન આપશે અને જરૂરી કાર્યવાહી કરશે.




