– પોલીસે ઘરની પાછળના ભાગે પ્લાસ્ટિકના મીણીયાની વાડના હુક સાથે લટકાવેલ થેલીમાં સંતાડેલ ગાંજો પકડી લીધો
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા નગરના મોહનફળિયા સ્થિત એક મકાનના પાછળના ભાગે પ્લાસ્ટિકના મીણીયાની વાડ સાથે લટકાવેલ થેલીમાં સંતાડેલ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝઘડિયા પોલીસે ઝડપી લીધો હતો.
ભરૂચ જિલ્લાના વિસ્તારમાં યુવાનો નશાના રવાડે ના ચડે તથા નશાયુક્ત પદાર્થોનું ખરીદ વેચાણ અને હેરાફેરી અટકે તે માટે અસરકારક કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ,તેના અનુસંધાને ઝઘડિયા પીઆઈ કે.વી.લાકોડ તેમજ સ્ટાફ દ્વારા પોલીસ મથક વિસ્તારમાં આવી પ્રવૃત્તિઓ થતી અટકાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે ઝઘડિયા નગરના મોહનફળિયામાં રહેતા પપ્પુસિંગ બીપીનસિંગ ચૌહાણ તથા મુન્નીબેન પપ્પુસિંગ ચૌહાણના ઘરે રેઈડ કરતા ઘરના પાછળના ભાગે પ્લાસ્ટિકના મીણીયાની વાડ સાથે લટકાવેલ થેલીમાં સંતાડી રાખેલ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ગાંજાનો જથ્થો ૩૨૦ ગ્રામ કિંમત રૂપિયા ૧૬,૦૦૦ તથા એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૫૦૦ મળી કુલ રૂપિયા ૧૬,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો અને ઉપરોક્ત બન્ને આરોપીઓને ઝડપી લઈને ગાંજાનો આ જથ્થો આપી જનાર અક્કલકુવા બાજુના મામુ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.ઝઘડિયા પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.




