– રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુવાનો સાથે કરશે સંવાદ
ભરૂચ,
રાષ્ટ્રીય રમત દિવસના અવસરે મેરા યુવા ભારત (માય ભારત), ભરૂચ તથા રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ના સંયુક્ત ઉપક્રમે “ખેલો ઈન્ડિયા સંવાદ” કાર્યક્રમનું આયોજન 27 ઓગસ્ટ, 2026ના રોજ ભરૂચ જિલ્લાની બે પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ—સરકારી આર્ટ્સ કોમર્સ કોલેજ, નેત્રંગ તથા નૂતન ગ્રામ વિદ્યાપીઠ, થવા — ખાતે કરવામાં આવશે.
કાર્યક્રમ દરમ્યાન માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના યુવાનો સાથે સંવાદ કરશે.ભરૂચ જિલ્લાના યુવાનો પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમ સાથે જોડાઈને પ્રધાનમંત્રીનું સંબોધન સાંભળશે તથા રમતગમત અને યુવા વિકાસ સાથે જોડાયેલા વિવિધ વિષયો પર સંવાદમાં ભાગ લેશે.
“ખેલો ઈન્ડિયા સંવાદ” નો મુખ્ય ઉદ્દેશ યુવાનોને રમતગમત સાથે જોડવા ઉપરાંત સ્થાનિક ખેલાડીઓ તથા રમતગમત ક્ષેત્રની પ્રતિભાઓના અનુભવો અને સંઘર્ષોથી તેમને પરિચિત કરાવવાનો છે.કાર્યક્રમ દરમ્યાન ખેલાડીઓના અનુભવો, રમતગમત ક્ષેત્રમાં ઉપલબ્ધ તકો, દેશમાં વિકસી રહેલી રમતગમતની ઇકોસિસ્ટમ તથા રમતગમતના માળખાકીય વિકાસ સહિતના વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
મેરા યુવા ભારત,ભરૂચ ના જિલ્લા યુવા અધિકારી અલકા મેકવાન એ જણાવ્યું હતું કે કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને રમતગમત, યુવા નેતૃત્વ તથા રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવાનો છે. તેમણે જણાવ્યું કે ભારતને રમતગમતના ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવાની તથા વર્ષ 2036ના ઓલિમ્પિક માટે રમત પ્રતિભાઓને તૈયાર કરવાની દિશામાં યુવાનોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. સાથે જ શાસન તથા યુવા નેતૃત્વમાં યુવાનોની ભાગીદારી વધારવા અને વિકસિત ભારતના નિર્માણમાં તેમની સક્રિય સહભાગિતા સુનિશ્ચિત કરવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવશે.તેમણે વધુમાં જણાવ્યું કે યુવાનો પોતાના વિચારો, સૂચનો અને આકાંક્ષાઓ મેરા યુવા ભારત પોર્ટલ પર ઉપલબ્ધ “સૂચન પેટી”ના માધ્યમથી ઓનલાઈન શેર કરી શકે છે. યુવાનોના સૂચનોને કાર્યક્રમની ભાવના સાથે જોડીને તેમની સહભાગિતાને વધુ અસરકારક બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
કાર્યક્રમ દરમ્યાન યુવાનોને વીબીવાયએલડી (VBYLD) ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા માટે પણ પ્રેરિત કરવામાં આવશે. તેમાં મેરા યુવા ભારતના સ્વયંસેવકો, એનએસએસ સ્વયંસેવકો તથા સ્થાનિક યુવાનો સક્રિય રીતે ભાગ લેશે.
અલકા મેકવાને ભરૂચ જિલ્લાના વધુમાં વધુ યુવાનોને “ખેલો ઈન્ડિયા સંવાદ”માં સક્રિય રીતે ભાગ લેવા અપીલ કરતાં જણાવ્યું કે યુવાનોના વિચારો, સૂચનો અને સક્રિય સહભાગિતા દેશના રમતગમત ક્ષેત્રને નવી દિશા આપવા સાથે વિકસિત ભારતના નિર્માણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
કાર્યક્રમનું આયોજન બંને શૈક્ષણિક સંસ્થાઓના સંબંધિત નોડલ અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવશે. કાર્યક્રમની તૈયારીઓ તથા વધુમાં વધુ યુવાનોની સહભાગિતા સુનિશ્ચિત કરવા માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.




