સનાતન એકેડમી અંક્લેશ્વર ખાતે રાજ્યપાલના હસ્તે ‘સક્ષમ કિશોરી’ પુસ્તકનું વિમોચન કરાયું

SHARE:

– કિશોરાવસ્થામાં બાળકો સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર અને યોગ્ય માર્ગદર્શન સંસ્કારી પેઢીનું નિર્માણ કરશે : રાજ્યપાલ

– આધુનિકતાની સાથે ‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ’ના મૂળ સંસ્કારો જાળવી રાખવા જરૂરી : રાજ્યપાલ

ભરૂચ,

સનાતન ઈન્ટરનેશનલ એકેડેમી ખાતે વિદ્યાભારતી પરિવાર દ્વારા સક્ષમ કિશોરી પુસ્તક વિમોચન કાર્યક્રમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલનું બેન્ડની મધુર સૂરાવલી સાથે ગાર્ડ ઓફ ઓનર આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી રાજ્યપાલશ્રીનું ભાવભીનું સ્વાગત કરાયું હતું.આ પ્રસંગે રાજ્યપાલ તથા મહાનુભાવોના વરદહસ્તે કિશોરીઓના શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજિક અને આધ્યાત્મિક વિકાસ તેમજ સમાજ માટે માર્ગદર્શક બનનાર ‘સક્ષમ કિશોરી’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિતોને સંબોધતા કહ્યું કે, આપ સૌની સમક્ષ સંસ્કાર, શિક્ષણ અને બાળઉછેર જેવા ગંભીર અને મહત્વપૂર્ણ વિષય પર વિચારો વ્યક્ત કરવાનો આજે અવસર મળ્યો છે.ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી જ ૧૬ સંસ્કારો દ્વારા વ્યક્તિત્વનું ઘડતર કરીને બાળકને ‘કુંદન’ બનાવવાની પરંપરા રહી છે. વિદ્યા એ જ સાચું શિક્ષણ છે જે મનુષ્યને તમામ દૂષણો માંથી મુક્તિ અપાવે.આધુનિક સમયમાં ભૌતિક સુખો પાછળ દોડવાને બદલે આદર્શ, પરોપકાર, સહિષ્ણુતા અને માનવતાનું આચરણ કરવું એ જ મનુષ્ય જીવનનો સાચો ધ્યેય હોવો જોઈએ.વર્તમાન સમયના પડકારો અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું કે, માતા એ બાળક નિમાર્તા છે, માત્ર જન્મ આપવાથી માતાની જવાબદારી પૂર્ણ થતી નથી.કિશોરાવસ્થા એવો તબક્કો છે જ્યાં બાળકો બુદ્ધિ કરતાં હૃદયથી વધુ નિર્ણયો લે છે અને ડિજિટલ દુનિયાની કાલ્પનિક બાબતોને સાચું જીવન માની બેસે છે.આવા સમયે બાળકોને ધિક્કારવા કે એકલા છોડી દેવાને બદલે તેમની સાથે મિત્રવત વ્યવહાર કરી સંવેદનશીલતાથી તેમની મૂંઝવણો ઉકેલવી જોઈએ. તેમને યોગ્ય સમય, માર્ગદર્શન અને સંસ્કાર આપીશું, તો જ એક સક્ષમ અને સંસ્કારી પેઢીનું નિર્માણ શક્ય બનશે.તેમણે વધુમાં ઉમેર્યું કે, આ વયમાં અનુશાસન રાખનાર શિક્ષક કે માતા-પિતા કદાચ કડક લાગે, પરંતુ માતા-પિતા અને શિક્ષકથી મોટો કોઈ હિતેચ્છુ નથી હોતો. માણસ માત્ર ભૂલને પાત્ર છે.કોઈપણ ભૂલ થાય તો તેને છુપાવવાને બદલે માતા-પિતા કે શિક્ષક આગળ ખુલ્લેઆમ કહી દેવી જોઈએ.ભૂલ સ્વીકારી લેવાથી ૯૦% મુશ્કેલીઓનો ઉકેલ આવી જાય છે.આજે દીકરીઓ ડોક્ટર, એન્જિનિયર, પાઇલટ અને દેશની સીમાઓ પર રક્ષણ કરી દરેક ક્ષેત્રે દેશનું નામ રોશન કરી રહી છે.આધુનિકતાની સાથે સાથે મૂળ સંસ્કારો સાથે જોડાયેલા રહેવું ખૂબ જરૂરી છે.કિશોરીઓને અનુરોધ કરતા કહ્યું હતું કે, આધુનિકતાની સાથે સાથે આપણે આપણા પ્રાચીન સંસ્કારો, ‘માતૃદેવો ભવ:’, ‘પિતૃદેવો ભવ:’ અને ‘આચાર્યદેવો ભવ:’ ની પરંપરાને જાળવી રાખવાની છે.આપણે આપણા માતા-પિતા અને ગુરુજનો પર વિશ્વાસ રાખીશું, યોગ્ય માર્ગે ચાલીશું અને દેશના નિર્માણમાં આપણો સિંહફળો આપીશું.’સક્ષમ કિશોરી’ પુસ્તક કિશોરીઓ અને તેમના માતા-પિતા માટે અત્યંત ઉપયોગી અને ઉદાહરણરૂપ છે.અંતમાં રાજ્યપાલએ ઉપસ્થિત તમામ માતા-પિતા અને શિક્ષણકારોને સાથે મળીને આવનારી પેઢીને માત્ર વિદ્યા જ નહીં પણ ઉચ્ચ સંસ્કાર આપવાનો દ્રઢ સંકલ્પ કરવા આહ્વાન કર્યું હતું.

 

આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પ્રકોષ્ઠ પ્રમુખ કનુભાઈ કરકર, સનાતન ઈન્ટરનેશન એકેડમીના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો,મયુરીબેન પટેલ, વિદ્યાભારતી પરિવારના કાર્યકરો, શાળાના બાળકો અને તેમના માતાપિતા સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!