– મુખ્યમંત્રી અને રાજ્યપાલને આવેદન પાઠવી વર્ષ ૨૦૦૨-૨૦૦૩થી ખેતી કરતા આદિવાસી ખેડૂતોના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની માંગ
– નાલખોપી સહિતના અસરગ્રસ્ત ગામોના ખેડૂતો સરકારી યોજનાઓ અને કૃષિ સહાયથી વંચિત હોવાની વ્યથા
(જ્યશીલ પટેલ, ઝઘડીયા)
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાલખોપી સહિત આસપાસના ગામોમાં વર્ષ ૨૦૦૨-૨૦૦૩થી વન ખાતાની જમીન ખેડીને ગુજરાન ચલાવતા આશરે ૧૨૦૦ જેટલા આદિવાસી પરિવારોને જમીનની સનદ (પટ્ટા) આપવા બાબતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને આવેદનપત્ર પાઠવી ઉચ્ચસ્તરીય રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર ભારત સરકાર દ્વારા લાગુ કરાયેલા વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬ (Scheduled Tribes and Other Traditional Forest Dwellers Act, 2006) હેઠળ પાત્ર આદિવાસી ખેડૂતોને જમીન પરના હક્કની માન્યતા આપી સનદ (પટ્ટા) ફાળવવાની સ્પષ્ટ જોગવાઈ છે. આમ છતાં,સાગબારા તાલુકાના નાલખોપી તેમજ ઉમરપાડા તાલુકાના વન વિભાગના રેન્જ વિસ્તારમાં વર્ષોથી ખેતી કરતા અનેક પાત્ર આદિવાસી ખેડૂતોને હજુ સુધી જમીનની સનદ મળી શકી નથી.
જમીનના હક્કો (પટ્ટા) ન મળવાના કારણે આ ગરીબ આદિવાસી પરિવારો સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, કૃષિ સહાય અને અન્ય અધિકારોથી વંચિત રહી ગયા છે,જેને લઈને તેમના જીવનનિર્વાહ સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે.હાલમાં સાગબારા તાલુકાના આદિવાસી ખેડૂતો છેલ્લા ૧૪ દિવસથી નાલખોપી ગામે આ મામલે ધરણા પર બેઠા છે.
આવેદનપત્રમાં કરાયેલી મુખ્ય માંગણીઓ છે કે વર્ષ ૨૦૦૨-૨૦૦૩થી વન જમીન ખેડતા તમામ પાત્ર આદિવાસી ખેડૂતોના દાવાઓનો તાત્કાલિક નિકાલ કરવો.નાલખોપી સહિત સાગબારા અને ઉમરપાડા તાલુકાના તમામ પાત્ર ખેડૂતોને વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬ મુજબ કાયદેસર જમીનની સનદ (પટ્ટા) આપવા.જે અરજીઓ વર્ષોથી પેન્ડિંગ (અનિર્ણિત) પડી છે, તેનો સમયમર્યાદામાં નિકાલ કરવા વિશેષ અભિયાન ચલાવવું.સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર અને વન વિભાગને જરૂરી સૂચનાઓ આપી આદિવાસી ખેડૂતોને ઝડપથી ન્યાય અપાવવો.
આદિવાસી ખેડૂતો પોતાના પરંપરાગત હક્કો મેળવવા માટે આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા આ સંવેદનશીલ બાબતમાં તાત્કાલિક હકારાત્મક હસ્તક્ષેપ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી છે.




