– ઝડપેલા વાહનો મળી ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકામાં અખૂટ ખનીજ સંપતિના ભંડારો આવેલા છે.છેલ્લા કેટલા વર્ષોથી આડેધડ તાલુકામાંથી ખનીજ ખનન થઈ રહ્યું છે.આ ખનન થયેલા ખનીજ પૈકી મોટા પાયે રોયલ્ટી ચોરી કરી ગેરકાયદેસર રીતે તેનુ વહન કરવામાં આવે છે.આવા અસંખ્ય કેસો જવાબદાર વિભાગો દ્વારા ક્વોરી માલિક, વાહન માલિક સામે નોંધ્યા છે.ગતરોજ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી દ્વારા ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ પાસેથી ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતાં ચાર જેટલા વાહનોને ઝડપી પાડ્યા હતા.ભૂસ્તરશાસ્ત્રી ભરૂચની સૂચના અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા વાઘપુરા રોડ પાસેથી ખનીજ વહન કરતા વાહનોની તપાસ હાથ ધરવામાં આવી હતી.આ તપાસ દરમ્યાન સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ચાર વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા.ચાર વાહનો સહિત તેમાં ભરેલ મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૪૦ લાખનો મુદ્દામાલ ભૂસ્તર વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.ઝડપાયેલા ગેરકાયદેસર ખનીજ વહન કરતાં વાહનો સામે નિયમો અનુસારની કાર્યવાહી કરવામાં આવશે તેમ ભૂસ્તર શાસ્ત્રીએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ ઝઘડિયાના નાયબ કલેક્ટર દ્વારા બિનઅધિકૃત રીતે રોયલ્ટી ચોરી કરી ઓવરલોડ ખનીજ ભરી તથા વાહનોના કોઈપણ ડોક્યુમેન્ટ સાથે રાખ્યા વગર ખનીજ વહન કરવામાં આવતું હતું તેને ઝડપી પાડી ઝઘડીયા પોલીસને સોંપવામાં આવ્યા હતા અને વધુ કાર્યવાહી અર્થે ભૂસ્તર વિભાગને તપાસ સોંપવામાં આવી હતી.







