કચ્છ,
‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ની ઓળખ ધરાવતો આ વિસ્તાર માત્ર તેની કુદરતી સુંદરતા માટે જ નહીં, પણ પુનર્નિર્માણની અદ્ભુત ગાથા માટે પણ જાણીતો છે.વર્ષ ૨૦૦૧ના ભૂકંપ પછી, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રણ ઉત્સવ શરૂ કરીને કચ્છને વૈશ્વિક પ્રવાસન નકશા પર મૂક્યું. વિનાશ માંથી વિકાસ તરફની આ પ્રેરણાદાયી સફરને હવે સ્મૃતિ વન ભૂકંપ મ્યુઝિયમ પણ ઉજાગર કરી રહ્યું છે.
માઈલો સુધી પથરાયેલું કચ્છનું સફેદ રણ, ઊંટની સવારી, અને કચ્છની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા તથા સ્થાનિક વાનગીઓનો સ્વાદ – આ બધું જ રણ ઉત્સવને ખાસ બનાવે છે.દેશ-વિદેશના પ્રવાસીઓ આ અદ્ભુત અનુભવ લેવા માટે ઉત્સાહિત છે.
કચ્છની આ પરિવર્તનની સફર અકલ્પનીય રહી છે. વર્ષ ૨૦૦૫માં શરૂ થયેલો રણ ઉત્સવ આજે કચ્છને ભારત જ નહીં, પણ દુનિયાના પ્રવાસનનું એક વિશેષ કેન્દ્ર બનાવી ચૂક્યો છે.અહીંનું સ્મૃતિ વન ભૂકંપ મ્યુઝિયમ ભૂકંપની વિનાશકતા અને ત્યારબાદના અસાધારણ વિકાસને રજૂ કરે છે અને જે દરેક પ્રવાસીને માનવ ભાવનાની તાકાતનો અહેસાસ કરાવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, રણ ઉત્સવ ૨૦૨૫-૨૬ સંપૂર્ણપણે તૈયાર છે અને ગત વર્ષની જેમ જ લાખો પ્રવાસીઓને ‘અનફર્ગેટેબલ મેમરીઝ’ આપવા માટે સજ્જ છે. પૂનમની રાતે સફેદ રણનો નજારો, ધોરડો તેમજ કાળો ડુંગર પર્યટકોને અનોખી અનુભૂતિ કરાવે છે.આ ઉપરાંત લખપતનું ગુરદ્વારા, કોટેશ્વર મહાદેવ અને આશાપુરા માતાજીનું મંદિર જેવાં સ્થળો પણ જોવાનું પર્યટકો ચૂકતાં નથી.તો, આ જાદુઈ રણનો અનુભવ કરવા માટે તમે પણ તૈયાર થઈ જાઓ.







