– જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
ભરૂચ,
ભારતના ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર તા.૧ જાન્યુઆરી, ૨૦૨૬ની લાયકાત તારીખને આધારે ભરૂચ જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારા (Special Intensive Revision – SIR–2026) પ્રક્રિયા અમલમાં મુકાઈ છે.આ અંગે ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રેસકોન્ફરન્સમાં વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું કે તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થયેલી મૂળ મતદાર યાદીના આધારે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.ભરૂચ જિલ્લામાં કુલ ૫ વિધાનસભા મતવિસ્તારો – ઝઘડિયા (અ.જા.), વાગરા, અંકલેશ્વર, ભરૂચ અને જંબુસર સમાવિષ્ટ છે. વર્ષ ૨૦૨૪ની મતદાર યાદી મુજબ જિલ્લામાં કુલ ૧૩,૧૦,૬૦૦ મતદારો નોંધાયેલા હતા.
મતદારોની સુવિધા માટે એક મતદાન મથક પર ૧૨૦૦થી વધુ મતદારો ન રહે તે હેતુસર મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે, જેના પરિણામે જિલ્લામાં મતદાન મથકોની સંખ્યા ૧,૩૪૨થી વધારી ૧,૪૯૩ કરવામાં આવી છે.
SIR–2026 અંતર્ગત Enumeration Form (EF)નું વિતરણ, સંગ્રહ અને ડિજિટલાઈઝેશનની કામગીરી તા.૧૪/૧૨/૨૦૨૫ના રોજ ૧૦૦ ટકા પૂર્ણ કરવામાં આવી છે. કુલ ૧૦,૯૫,૪૨૦ મતદારો (૮૩.૫૮%) દ્વારા ફોર્મ પરત જમા કરાવી ડિજિટલાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન ૨,૧૫,૧૮૦ મતદારો (૧૬.૪૨%)ને Uncollectable તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે, જેમાં સ્થળાંતર, મૃત્યુ વગેરે કારણો મુખ્ય છે.પ્રક્રિયા દરમિયાન વિવિધ શ્રેણી મુજબ મતદારોની સ્થિતિ નોંધાઈ છે જેમાં ૬૮,૧૦૭ મૃત્યુ પામેલ મતદારો, ૩૧,૩૧૧ડુપ્લિકેટ મતદારો, ૯૮,૫૩૪ કાયમી સ્થળાંતર થયેલ મતદારો, ૧૭,૨૨૮ અન્ય સ્થળે નોંધાયેલા પરંતુ પરત ન મળેલા/અન્ય કારણસર કાઢી નાખવા યોગ્ય મતદારોના નામ મૂળ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.જો કોઈ મતદાર EF ફોર્મ પરત ના આવવાના કે અન્ય કારણોસર નામ નીકળી જવાનું માને તો તે Form–6 ભરીને પુનઃનોધણી કરી શકે છે. આ તમામ વિગતો ભરૂચ જિલ્લા ચૂંટણી કચેરીની વેબસાઈટ bharuch.nic.in પર ઉપલબ્ધ છે.આ ઉપરાંત ૧,૦૪,૨૯૯ મતદારો (૭.૯૬%) No Mapping શ્રેણીમાં આવ્યા છે. આ મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવિષ્ટ રહેશે, પરંતુ સંબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટીસ ઇશ્યુ કરી યોગ્ય સુનાવણી રાખી જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જ તા.૧૭/૦૨/૨૦૨૬ ના રોજ આખરી મતદારયાદીમાં સમાવેશ કરવો કે કેમ તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.મૂળ મતદાર યાદી સાથે પ્રસિદ્ધ થવાની તારીખ તા. ૧૮/૦૧/૨૦૨૬ સુધી વાંધા-દાવા રજૂ કરી શકાશે. વાંધા-દાવાની પ્રક્રિયા તથા નિરાકરણ તા. ૧૦/૦૨/૨૦૨૬ સુધી પૂર્ણ કરવામાં આવશે અને અંતિમ મતદાર યાદી તા. ૧૭/૦૨/૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ થશે.
મતદાર યાદીની સુચિત અને પારદર્શક પ્રક્રિયા માટે જિલ્લામાં નોટીસ તબક્કા માટે ૭૧ વધારાના સહાયક મતદાર નોંધણી અધિકારીઓ (AERO)ની નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર કામગીરી BLO–BLAની સહયોગથી, વિશેષ પ્રયત્નો અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવી રહી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાએ અંતમાં જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં સ્વચ્છ, સચોટ અને સર્વસમાવેશક મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા પ્રગતિ પર છે. તમામ પાત્ર નાગરિકોને મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસવા તથા જરૂરી સુધારા માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.




