ભરૂચ,
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી.જેમાં ભાજપ દ્વારા મનરેગા યોજનાનું નામ બદલીને દેશની જનતાને ગેર માર્ગે દોરવાની જે વાતો કરાઈ રહી છે તેને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધના કાર્યક્રમો યોજાનાર હોય તે અંગે માહિતી આપી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી અધિનિયમ)ને ધીમે ધીમે કમજોર બનાવવાની નીતિ સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ‘મનરેગા બચાવો આંદોલન’શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.આ આંદોલન પંચાયત,બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તરે વ્યાપક રીતે ચલાવવામાં આવશે.
કોંગ્રેસના પ્રદેશ પ્રકવતા નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, મનરેગા એ કોઈ દાન નથી,પરંતુ ગ્રામિણ ભારતના ગરીબ, શ્રમિક, ખેડૂત, મહિલાઓ, દલિત અને આદિવાસી સમુદાય માટેનો કાનૂની અધિકાર છે.પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ સરકાર દ્વારા બજેટમાં કાપ,ચૂકવણીમાં વિલંબ અને કામના દિવસો ઘટાડીને મનરેગાને નિષ્ક્રિય બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો કર્યા હતા.
કેન્દ્ર સરકારે મનરેગા માટે પૂરતા નાણા ફાળવ્યા નથી. પરિણામે અનેક રાજ્યોમાં મજૂરોને સમયસર વેતન મળતું નથી અને ગ્રામિણ વિસ્તારોમાં રોજગારની ગંભીર સમસ્યા ઉભી થઈ છે.મનરેગાના 100 દિવસના કામનો અધિકાર હકીકતમાં કાગળ પર જ રહી ગયો છે.
ભરૂચ ખાતે યોજાયેલી બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવત, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી અને જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાઝુ ફડવાલા ઉપસ્થિત રહ્યા હતા.
મનરેગા બચાવો આંદોલન માત્ર દિલ્હીમાં નહીં પરંતુ ગુજરાત સહિત સમગ્ર દેશમાં જમીનસ્તર પર ચલાવવાની જાહેરાત કરી આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો થકી વિરોધ નોંધાવવામાં આવશે.







