– નમૂના ફેલ થશે તો દુકાનદારો સામે કાર્યવાહી કરાશે : એ એન રાઠવા,ફૂડ અધિકારી
ભરૂચ,
ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લાના ફૂડ વિભાગ દ્વારા ચીકીના વેચાણકર્તાઓને ત્યાં સઘન તપાસ શરૂ કરવામાં આવતા છેલ્લા ત્રણ દિવસમાં શંકાસ્પદ જણાતા ૧૯ જેટલા નમૂનાઓ લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.
આગામી ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લાના ફૂડ વિભાગ દ્વારા ચીકીના વેચાણકર્તાઓને ત્યાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય અને તહેવાર દરમ્યાન ગુણવત્તાયુક્ત ચીકી મળી રહે તે હેતુથી ફૂડ વિભાગની ટીમે છેલ્લા ત્રણ દિવસમાં ભરૂચ અને અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ઝુંબેશ ચલાવી હતી.આ દરમ્યાન શક્તિનાથ, નર્મદા માર્કેટ, ઝાડેશ્વર અને અંકલેશ્વર જેવા મુખ્ય વિસ્તારોમાં આવેલી આશરે ૩૦ જેટલી ચીકીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.ફૂડ ઈન્સ્પેક્ટરોએ સ્થળ પર જઈને ગોળ અને ચીકીની ગુણવત્તા ચકાસી હતી.જેમાંથી શંકાસ્પદ જણાતા ૧૯ જેટલા નમૂનાઓ એકત્રિત કરી પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
ભરૂચ ફૂડ વિભાગન અધિકારી એ એન રાઠવાએ જણાવ્યું હતું કે જે નમૂનાઓ લેવામાં આવ્યા છે તે તમામને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.જે લેબોરેટરીના અહેવાલ બાદ જો નમૂનાઓ ફેલ જશે તો સંબંધિત દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ફૂડ વિભાગની આ તપાસ આગામી દિવસોમાં ચાલુ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક મર્યાદા જોવા મળી છે કે ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનાઓ લેબોરેટરીનો રિપોર્ટ આવે તે પહેલાં જ તહેવાર પૂર્ણ થઈ જતો હોય છે અને પરિણામ આવે તે પહેલા જ લોકો આ ખાદ્યચીજોનો વપરાશ કરી ચૂક્યા હોય છે.ત્યારે જો નમૂના ફેલ થાય તો દુકાનદારો સામે કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવે છે પરંતુ લોકો આરોગી ગયા બાદ બીમારીનો ભોગ બને તો જવાબદાર કોણ? તે સવાલો ઉઠ્યા છે.







