– ભાલોદ,રાજપારડી પંથકમાં ઉત્તરાયણ પૂર્વે પતંગ અને દોરાનું બજાર ધમધમ્યું
(ભાવેશ પંડ્યા,ભાલોદ)
ઝઘડીયા તાલુકા સહિત ભાલોદ, રાજપારડી અને આસપાસના પંથકમાં ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહેતા મકરસંક્રાંતિની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.પતંગરસીયાઓ જે પર્વની કાગડોળે રાહ જુએ છે તેવા ઉત્તરાયણને લઈ શહેરી વિસ્તાર સહીત ગામ્ય વિસ્તારમાં ઉત્સાહ અને આનંદનું માહોલ જોવા મળી રહ્યો છે.
મકરસંક્રાંતિ પર્વ નજીક આવતા પતંગ ફિરકાની હાટડીઓ ઠેરઠેર ઉભી થઈ ગઈ છે.ભાલોદ અને રાજપારડીના – ઝઘડીયા ઉમલ્લા બજારોમાં પતંગ, દોરી સહિત ઉત્તરાયણમાં ઉપયોગી વિવિધ સામગ્રીના સ્ટોલો સજાવાયા છે.નાના બાળકો, યુવાનો તેમજ વૃદ્ધો સૌ માટે ઉત્તરાયણ પ્રિય તહેવાર હોવાથી શહેરી વિસ્તાર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પતંગ તથા દોરાના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે,છતાં પતંગરસિકોમાં ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી.બજારમાં અવનવી ડિઝાઇન અને રંગબેરંગી પતંગોની નવી વેરાયટીઓ ઉપલબ્ધ થઈ છે. સાથે જ દોરી, માઝો, બ્યુગલ, ચશ્માં, ટોપી સહિત મનોરંજન પૂરું પાડતી વિવિધ ચીજવસ્તુઓની ભરપૂર જમાવટ જોવા મળી રહી છે.
ઉત્તરાયણને હવે ત્રણ દિવસનો સમય બાકી રહેતા વેપારીઓ દ્વારા વિવિધ પ્રકારની પતંગો અને અલગ રંગોની દોરી બજારમાં વેચાણ માટે મુકવામાં આવી છે.બીજી તરફ દોરી સૂતનારાઓએ પણ દોરી સૂતવાની શરૂઆત કરી દીધી છે.ભાલોદ ગામે પતંગ-દોરીની ખરીદી ધીમે ધીમે વધતી જતાં વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળે છે.
કુલ મળીને,ભાલોદ,રાજપારડી,ઉમલ્લા સહિત ઝઘડીયા તાલુકાના પંથકમાં ઉત્તરાયણ પર્વને લઈને ઘીમી ગતીએ બજારોમાં રોનક જામવા લાગી છે અને પતંગરસિકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ છલકાઈ રહ્યો છે.બીજી તરફ ઉત્તરાયણ પર્વ ગૃહિણીઓ પણ તલના લાડુ,સિંગની,ચીકી બનાવવામાં મશગુલ બની છે.







