અંકલેશ્વર,
અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આગામી ૧૨મી ડિસેમ્બરથી ૩૫ દિવસ માટે ઉકાઈ જમણા કાંઠા નહેર મેન્ટનન્સની કામગીરી હાથ ધરાતા પાણી પુરવઠો બંધ થનાર છે.જેથી પાણી કાપની સમસ્યા ઉભી થશે અને સ્થાનિકોએ સમસ્યાનો સામનો કરવો પડશે.તો બીજી તરફ જીઆઈડીસીમાં તળાવની જગ્યા વર્ષોથી ફાળવાઈ ગઈ હોવા છતાં બનાવવામાં નહિ આવતા વર્ષો જૂની સમસ્યા રહી હોવાની લોક ચર્ચાઓએ જોર પકડયું છે.
આગામી ૧૨ ડિસેમ્બરથી ૧૫મી જાન્યુઆરી દરમ્યાન ઉકાઈ જમણા કાંઠા નહેર માંથી અંક્લેશ્વર નોટીફાઈડ એરિયાને મળતો પાણીનો પુરવઠો ૩૫ દિવસો માટે બંધ રહેનાર છે.જેને પગલે સ્થાનિક વસાહતીઓને પાણી કાપની સમસ્યાનો સામનો કરવો પડશે.આગામી ૩૫ દિવસો દરમ્યાન ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાનારથી અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં પાણી પુરવઠો સદંતર બંધ રહેશે.જેના કારણે રહેણાંક તેમજ ઔદ્યોગિક વસાહતમાં નોટિફાઈડ વિભાગે નાછૂટકે પાણીનો પુરવઠો મર્યાદિત માત્રામાં પુરો પાડવામાં આવનાર છે.અંકલેશ્વર નોટીફાઈડ વિસ્તારમાં પાણીકાપ અંગે એક પરિપત્ર પણ જાહેર કરી દેવાયો છે.જે મુજબ રહેણાક વિસ્તારમાં સવારે ૬ થી ૯ ક્લાક દરમ્યાન ઓછા પ્રેશરથી પાણી પુરવઠો મળશે,જ્યારે ઉદ્યોગ એકમોમાં સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી પાણી પુરવઠો મળશે તેમ નોટીફાઈડ એરિયામાં બોર્ડ ઓફ ડિરેક્ટર હર્ષદ પટેલે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં પ્રતિદિન અંદાજે ૩૫ એમએલડી પાણીની જરૂરિયાત હોય છે.હાલમાં સ્ટોરેજ પોન્ડમાં ૧૫ દિવસ સુધી ચાલે તેટલો જ પાણીનો પુરવઠો ઉપલબ્ધ છે.પાણી પુરવઠાની આપુર્તિ માટે અન્ય વિકલ્પ તરીકે ઝઘડિયા વિભાગ માંથી આઠ થી દસ એમએલડી પાણી પ્રતિદિન મળી શકે તેમ હોવા છતા કેટલાક દિવસો પાણી કાપની પરિસ્થિતિ વિકટ બનશે.તો બીજી તરફ રહેણાંક વિસ્તારમાં પાણીની સમસ્યા અગાઉથી જ છે.જીઆઈડીસીમાં તળાવની જગ્યા વર્ષોથી ફાળવાઈ ગઈ હોવા છતાં બનાવવામાં નહિ આવતા અંદાજીત ૬૦ થી ૭૦ હજારની વસ્તીને પાણી કાપની સમસ્યાથી ત્રાસી જશે.
તો જીઆઈડીસીમાં રહેતા લોકોને નોટીફાઇડ દ્વારા આપવામાં આવેલી પીવાના પાણી ની લાઈનમાં એક જ લાઈનમાં ચાર કનેક્શન આપતા નળમાં પાણી જ આવતું ન હોવાથી મુશેકલીનો સામનો કરી રહ્યા હતા તેવામાં પાણી કાપથી હવે પાણી પણ ઓછું મળશે અને ટેક્ષ ભરવા છતાં આ તકલીફ વેઠવાનો વાળો આવ્યો છે તો ટેક્ષ ઓછો લેવો જોઈએ તેમ સ્થાનિક મહિલા ભાવનાબેન જોષી એ જણાવ્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે નોટીફાઈડ એરિયા દ્વારા જીઆઈડીસીમાં તળાવ બનાવવામાં આવે તો રહેણાંક વિસ્તારને પાણીનો જથ્થો પૂરતો મળી રહેવા સાથે વસાહતોમાં અલગ રીતે પાણીનો જથ્થો વિતરણ કરી શકાય.તો બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં પણ પાણી કાપની સમસ્યા નહિવત રહેશે કારણ કે પાલિકાના તળાવમાં ૩૦ દિવસ સુધી વગર કાપે પાણી પુરવઠો મળી રહે તેટલો પર્યાપ્ત માત્રામાં પાણીનુ સ્ટોરેજ ઉપલબ્ધ છે.
અંકલેશ્વર જીઆઈડીસીવાસીઓ અને ઓદ્યોગિક વસાહતોને પાણી કાપનો કરવો પડશે સામનો
- ઉકાઈ જમણા કાંઠાની નહેર આગામી ૧૨ ડિસેમ્બર થી ૧૫ જનાયુઆરી સુધી મેન્ટનન્સ કામ અર્થે બંધ - ૩૫ દિવસ સુધી રહેણાકમાં સવારે ૬ થી ૯ અને ઉદ્યોગોમાં સવારે ૧૦ થી સાંજે ૬ સુધી પાણી પુરવઠો મળશે - જીઆઈડીસીમાં તળાવની જગ્યા વર્ષોથી ફાળવાઈ ગઈ હોવા છતાં બનાવવામાં નહિ આવતા વર્ષો જૂની સમસ્યા