ભરૂચ,
ભરૂચ વિધાનસભા ભાજપના રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત નુતનવર્ષ સ્નેહમિલન સમારોહમાં વિરાટ મેદની વચ્ચે 2024 માં ઐતિહાસિક વિજયનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.
ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે જિલ્લા પ્રભારી,સાંસદ તેમજ ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં 153 ભરૂચ વિધાનસભા ભાજપનું નૂતનવર્ષ સ્નેહ મિલન યોજાયું હતું.ભરૂચ જિલ્લા ભાજપના મહાનુભવો અને આગેવાનોએ તમામને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી 2024 ની લોકસભા ચૂંટણી માટે ભરૂચમાં ફરી ઐતિહાસિક જીત માટે કામે લાગી જવા આહવાન કર્યું હતું.
ભરૂચ જિલ્લા પ્રભારી અશોક પટેલે જિલ્લાના છેવાડાના વંચિત લોકોને રાજ્ય અને કેન્દ્રની યોજનાઓનો લાભ અપાવવા પર ભાર મુક્યો હતો.સાંસદ મનસુખ વસાવાએ નવા વર્ષની શુભેચ્છા સાથે વડાપ્રધાને ભારતને મહાસત્તા બનાવવાના પુરુષાર્થમાં 2024માં જનજનના યોગદાનની વિશેષ અપેક્ષાનો સંદેશો આપ્યો હતો.ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કાર્યકરો,જિલ્લા સંગઠન અને પ્રજાનો આભાર વ્યક્ત કરી,હવે લોકસભામાં પણ ભરૂચ 2014, 2019 ના તમામ રેકોર્ડ 2024 માં તોડી નવો વિક્રમ રચવા કામે લાગી જવા હાકલ કરી હતી.
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ ભરૂચ વિધાનસભામાં ધારાસભ્ય રમેશમિસ્ત્રીને મળેલી 64 હજારની લીડ સામે લોકસભા 2024 માં 1.30 લાખની સરસાઈ અપાવવાની નેમ વ્યકત કરી હતી.વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ સ્નેહમિલનમાં લોકસભા ચૂંટણીમાં ભવ્યાતિભવ્ય વિજયનો એક જ સંકલ્પ લેવડાવ્યો હતો.
ભરૂચ ભાજપ વિધાનસભાના સ્નેહમિલન સમારોહમાં પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ,મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ,પાલિકા પ્રમુખ સહિતના આગેવાનો,પદાધિકારીઓ,કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.