(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મઢી નર્મદા કિનારે આજે દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.મઢી કિનારે તુલસી માતા ના પરંપરાગત હિન્દુ રીતરિવાજ મુજબ વિવાહ સંપન્ન કરાયા હતા. આ પ્રસંગે નગરમાં શોભાયાત્રા ફરી હતી અને ઠેરઠેર ફટાકડાની આતશબાજી સાથે પુષ્પો અને કુમકુમના વધામણા સાથે ભક્તોએ ભગવાન શ્રીની ઘરે પધરામણી કરી આરતી દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી. મળતી વિગતો મુજબ ઝઘડિયાના મઢી આશ્રમ ખાતે જગદીશબાપુના આવ્યા પછી લગભગ ૨૫ વર્ષ ઉપરાંતના સમયથી તુલસી વિવાહનું આયોજન થાય છે.જેમાં કોઈ ભક્તજન કન્યા પક્ષે તો કોઈ વર પક્ષે રહીને વિવાહ વિધી નિભાવે છે.ઉલ્લેખનીય છેકે તુલસી વિવાહનો પ્રસંગ મોટાભાગે સમગ્ર રાષ્ટ્રમાં ઉજવાય છે.ઝઘડિયા તાલુકામાં નર્મદા કિનારે ઘણા સ્થળોએ ધાર્મિક સ્થાનો આવેલા છે.તે પૈકી ઝઘડિયા નજીક મઢી ખાતે પણ ધાર્મિક આશ્રમ આવેલ હોઈ આ આધ્યાત્મિક સ્થળે શ્રધ્ધાળુઓ નિરંતર દર્શનાર્થે આવતા હોય છે.વર્ષોથી મઢી ખાતે યોજાતા તુલસી વિવાહના કાર્યક્રમમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિભાવથી કાર્યક્રમમાં ભાગ લીધો હતો.