ભરૂચ,
ભરૂચના ઝાડેશ્વર રોડ પર તુલસીધામ નજીક ઓરિએન્ટ આર્કેડની 6 દુકાનોના સવારે 7 કલાકે તાળા તોડી ગલ્લામાં રહેલા પરચુરણની ચોરી કરી જનાર નવ શિખીયો તસ્કર CCTV માં કેદ થઈ ગયો છે.ભરૂચમાં દિવાળી બાદ કોમ્પ્લેક્ષની દુકાનો,ઓફિસો અને ઘરના તાળા તૂટવાના બનાવોની ભરમાર વધી રહી છે.
ઝાડેશ્વર રોડ પર તુલસીધામ નજીક શુક્રવારે 9 વાગ્યા બાદ ઓરિએન્ટ આર્કેડના દુકાન-ઓફિસધારકો આવતા એક બાદ એક તૂટેલા તાળા જોઈ ચોંકી ઉઠ્યા હતા. બેઝમેન્ટથી લઈ ત્રણ માળના કોમ્પલેક્ષમાં તસ્કરે કલાસીસ અને ઇમિગ્રેશન સેન્ટરને પણ છોડ્યું ન હતું.દુકાનદાર વેપારીઓએ ચોરીની જાણ સી ડિવિઝન પોલીસને કરતા પી.આઈ. હસમુખ ગોહિલ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો.કોમ્પ્લેક્ષમાં ગોલ્ડલોન ફાયનાન્સની શાખા પણ આવેલી છે પણ કોઈ સિક્યોરીટી ગાર્ડ નથી.દુકાનદારોએ લગાવેલા CCTV ચેક કરાતા એક યુવાન સ્પોર્ટ્સ સૂઝ,સ્કૂલ બેગ, ટોપી વાળી ટી-શર્ટ અને મોઢા પર માસ્ક વાળા રૂમાલ સાથે મળી આવ્યો હતો.જેણે સવારના 7 વાગ્યાના અરસામાં એક બાદ એક દુકાનોના તાળા તોડવાનો પ્રયાસ બેગમાં રહેલા સળિયા વડે કર્યો હતો. જે દુકાનનું તાળું તૂટ્યું તેમાં ઘુસી ગલ્લા તોડી અંદર રહેલા પરચુરણની ચોરી કરી લીધી હતી.કેટલીક દુકાનો તાળા નહિ તૂટતા બચી ગઈ હતી. આ એકલા આવેલા તસ્કરે દવે કલાસીસ,શ્રી લેડીઝ કલેક્શન,ધનશ્રી કલેક્શન, દર્શન ફૂટવેર,ક્રિશી કલેક્શન, એસ.આર.કલેક્શનના તાળા તોડી ગલ્લામાં રહેલા 6 થી 10 હજાર જેટલા પરચુરણની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.જ્યારે ઈમિગ્રેશનની એક ઓફીસ સહિત અન્ય દુકાનોના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. તસ્કર ગલ્લામાં રહેલા રોકડા સિવાય અન્ય કોઈ ચીજવસ્તુની ચોરી કરી ગયો ન હતો.સી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધવા સાથે આ યુવાન ચોરની ભાળ મેળવવા CCTV ના આધારે વધુ તપાસ હાથધરી છે.
ભરૂચમાં તુલસીધામ પાસે ઓરિએન્ટ આર્કેડમાં સ્કૂલ બેગમાં સળિયો અને મોઢા પર રૂમાલ બાંધી તાળા તોડતો તસ્કર CCTV માં કેદ
- કલાસીસ,ઈમિગ્રેશન સેન્ટરના લોક પણ તોડયા પંરતુ 6 દુકાન પૈકી ગલ્લા માંથી માંડ 6 થી 10 હજાર મળ્યા