ભરૂચ,
પ્રેમનો આમ તો કોઈ દિવસ હોતો નથી.છતાં આજનો દિવસ પ્રેમના દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. ભરુચનું એક દંપતી એવું છે જેણે પ્રેમની અલગ વ્યાખ્યા ઘડી છે.તેમનું માનવુ છે કે, શરીર તો કાલે બળી જવાનું છે.વિચારો સાથેનો પ્રેમ શાશ્વત રહે છે. અમે બંને ભલે દિવ્યાંગ છે પરંતુ અમારી દિવ્યાંગતાએ ક્યારેય અમારા પ્રેમ વચ્ચે અવરોધ ઉભો કર્યો નથી. જ્યારે અમારા લગ્ન થયા ત્યારે બધાને એમ હતું કે, બંને ખોટા લગ્ન કરે છે.લાંબો સમય સુધી ટકશે નહીં પરંતુ આજે અમારા લગ્નને ૧૦ વર્ષ થયા છે અને અમે ખુબ ખુશહાલ જીંદગી જીવી રહ્યા છે.
ભરૂચનાં દિવ્યાંગ મનુભાઈ પ્રજાપતિ અને તેમની જીવનસંગીની ભારતીનાં લગ્નનાં ૧૦ વર્ષ થયા છે.આ બંનેનાં પ્રેમ લગ્ન નથી પરંતુ લગ્ન પછીનો પ્રેમ અનોખો છે.આ વિશિષ્ટ દંપતીની કહાનીમાં ડોકીયુ કરીશું તો પ્રેમની અલગ જ વ્યાખ્યા જાણવા મળી. પોતાના જીવન અને લગ્ન વિશે મનુભાઈ પ્રજાપતિ કહે છે કે, ” હું મુળ જંબુસર તાલુકાનાં છેવાડાના ગામ કાવીનો વતની છું.હું જન્મથી વિકલાંગ નહોતો પરંતુ પોલીયોની રસી લીધી ત્યાર પછી રીએકશન આવતા હું બંને પગે અપંગ થઈ ગયો છતાં મેં હિંમત હારી નહી.પ્રાથમિક અને હાઈસ્કુલનો અભ્યાસ કાવીમાં જ કર્યો. મારો પહેલાથી ધ્યેય એવો હતો કે, સરકારી નોકરી કરી. પરંતુ કોલેજ દરમ્યાન બસમાંથી ચઢવા – ઉતરવામાં અને કોલેજ જવામાં તકલીફ પડતી હતી.પરંતુ નસીબથી મને સારા મિત્રો મળ્યા.ક્યારેક મિત્રો મદદ કરતા તો ક્યારેક કોઈ અજાણ્યો વ્યકિત દયાના ભાવે મારી મદદ કરતો. પછી ભરુચ અભ્યાસ અર્થે આવ્યો.રહેવાની વ્યવસ્થા નહોતી એટલે સરકારમાં અરજી કરી તો પાંચથી બારના વિદ્યાર્થીઓ સાથે હોસ્ટેલમાં રહી એમકોમ પરુ કર્યુ.મેં ઘણી બધી પરીક્ષાઓ આપી છે.છેવટે જીઈબીમાં પરીક્ષા આપી પાસ થઈ ગયો અને અત્યારે હું દક્ષિણ ગુજરાત વિજ કંપનીમાં ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ છું અને અકાઉન્ટનું કામ કરુ છું”
પોતાના લગ્ન વિશે વાત કરતાં મનુભાઈ જણાવે છે કે,” સરકારી નોકરી મળ્યા બાદ હું પગભર થઈ ગયો હતો.એટલે મને લાગ્યુ કે હવે મારે લગ્ન કરી લેવા જોઈએ. દિવ્યાંગ વ્યકિતને સમાજમાંથી છોકરી મળવી મુશકેલ હોય છે.એટલે મેં ઘણી સ્વૈચ્છીક સંસ્થાઓમાં જોઈ સારા પાત્રની શોધ કરી.૧૨ થી ૧૫ છોકરી જોય હશે જેમાં કેટલીક છોકરીઓએ મને રિજેક્ટ કર્યો તો કેટલીક છોકરીઓની હા હતી પણ મને તેમની સાથે લગ્ન કરવા યોગ્ય લાગતા નહોતાં એટલે મેં લગ્ન કરવાની ના કહી.છેલ્લે મારી વાત ભારતી સાથે થઈ. અમને બંનેને એકબીજાના વિચારો બહુ ગમ્યા. પરંતુ મને એમ હતું કે, ભારતીની વિકલાંગતા કરતાં મારી વિકલાંગતા વધુ હતી. શું એ મારી સાથે લગ્ન કરશે ? એને હું બોઝ લાગીશ તો ? આવા બધા વિચારો વચ્ચે જ્યારે ભારતીએ મારા લગ્નનો, પ્રસ્તાવ સ્વીકારી લીધો ત્યારે મને એમ થયુ કે, સુખી લગ્ન જીવન માટે પતિ-પત્નીનાં એકબીજાના વિચારો મળવા ખુબ જરુરી છે. “
ભારતીબહેન ચાલી શકે તેમ હતાં.છતાં તેમણે પોતાની કરતાં વધુ વિકલાંગ વ્યકિત સાથે લગ્ન કેમ કર્યા તેવું પુછતાં ભારતીબેન જણાવે છે કે, ” વિકલાંગતા તો શરીરની હોય છે.મનની નહીં.શરીર તો બળી જવાનું છે પરંતુ વિચારો રહેવાના છે. પહેલા મારા મનને એમ હતું કે, મને તો કોઈ પણ મારી જેવા વ્યકિત મળી જશે. હું મારી કરતાં વધુ વિકલાંગ સાથે લગ્ન કેમ કરુ? પરંતુ મેં મનુ સાથે વાત કર્યા બાદ લાગ્યુ કે, તેમના સ્વાધ્યાય પરિવારનાં વિચારો છે. તેમણે આટલો સંઘર્ષ કરીને પોતાની કારકીર્દી ઘડી સરકારી નોકરી મેળવી છે. પોતાના ભાઈઓની કારકીર્દી પણ બનાવી છે.જે વ્યકિત બીજાને પગભર કરી શકે તે કોઈના ઉપર બોઝ કઈ રીતે બની શકે?એટલે ઘણા લોકોની ના હોવા છતાં મેં મનોમન નક્કી કરીને લગ્ન કર્યા. અમારા લગ્નનાં ૧૦ વર્ષ થવા આવ્યા છતાં અમે એકબીજાનો સહારો બનીને જીવી રહ્યા છીએ.અમે ભલે બંને વિકલાંગ છીએ પરંતુ અમારો એકબીજાને ટેકો શારીરીક રીતે નહીં પરંતુ માનસીક રીતે વધારે છે. કારણ કે, મન હોય તો જ માળવે જવાય”
– કોલેજકાળમાં શારીરીક રીતે વિકલાંગ ન હોય તેવી યુવતીનો લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો : મનુ પ્રજાપતિ
કોલેજ કાળમાં થયેલા પ્રેમની વાત કરતાં મનુભાઈ પ્રજાપતિએ જણાવ્યુ હતું કે, કોલેજમાં પ્રેમ થવો સામાન્ય વાત છે.પરંતુ કોઈ વિકલાંગ વ્યકિતને શારીરીક રીતે એકદમ યોગ્ય હોય એવી વ્યકિત પ્રેમ કરે તે થોડુ અજુગતુ છે.કોલેજમા મને મારા સમાજની એક યુવતીએ લગ્નનો પ્રસ્તાવ મુકયો હતો.પરંતુ મે તેને ઠુકરાવ્યો હતો કારણ કે, મારે કોઈની પર નિર્ભર નહોતું રહેવું. જો હું એ લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લેત તો હું એ યુવતી ઉપર નિર્ભર થઈ જાત અને મારા પગ પર ક્યારેય ઉભો નહી થાત.તેમજ મારો જે સરકારી નોકરી મેળવવાનો ગોલ હતો એ પણ હું પુરો કરી શક્યો ન હોત. જેથી સરકારી નોકરી મળ્યા બાદ અને આત્મનિર્ભર થયા બાદ જ મે લગ્ન કરવાનું નક્કી કર્યુ અને એ પ્રમાણે જ કર્યુ.
– મને મારા શિક્ષકો અને બહેનપણી લગ્ન કરવાનું ના કહેતા હતાં પણ મે મનનું સાંભળ્યુ : ભારતી પ્રજાપતિ
ભારતી બેન જ્યારે તરસાલીમાં હોસ્ટેલમાં રહેતા ત્યારે તેમના એક શિક્ષકે મનુભાઈ અંગે વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, છોકરો સારો છે પરંતુ તારા કરતાં વધારે વિકલાંગ છે. જેથી અન્ય શિક્ષકો તેમજ મારી બધી જ બહેનપણી પણ મને લગ્ન કરવાનું ના કહેતા હતા. તેઓ કહેતા હતાં કે તું એટલી બધી વિકલાંગ નથી. તને તારી જેવો છોકરો મળી જશે.આની સાથે લગ્ન ન કર.લગ્ન કરશે તો આખી જીંદગી તારો બોઝ બનીને રહેશે. તારે એકલી જ બધુ કરવું પડશે. મને પણ મનમાં એમ થતુ હતું કે,જો હું લગ્ન માટે હા પાડીશ તો લોકો એવી વાત કરશે કે, સરકારી નોકરી છે એ જોઈને પોતાનાં કરતાં વધુ વિકલાંગ સાથે લગ્ન કરી લીધા એટલે પહેલા તો મેં લગ્ન કહી દીધુ હતું. પરંતુ અઠવાડીયા પછી ફરી પેલા શિક્ષકે એકવાર વાત કરવાનું કહેતા મેં વાત કરી અને મને એમના વિચારો ગમી ગયા એટલે પછી મેં લોકો શું કહેશે તેની પરવા કર્યા વગર મારા મનનું સાંભળી મારા કરતાં વધુ વિકલાંગ હોવા છતાં તેમની સાથે લગ્ન કર્યા. આજે મને મારા નિર્ણય પર ખુશી થાય છે કે, મારો નિર્ણય સાચો હતો. અમારા લગ્નનું ૧૦ મું વર્ષ ચાલી રહ્યુ છે.અમે ખુશી છીએ. ઝઘડા થાય છે પણ એનાથી પ્રેમ વધે છે. અમારી બે દીકરીઓ છે.બંને અંગ્રેજી મીડિયમમાં ભણે છે.
– વિકલાંગ દંપતીએ એક બીજાને ગુલાબ આપી અને કેક કટીંગ કરી પ્રેમના દિવસની ઉજવણી કરી
દિવ્યાંગ દંપતી મનુભાઈ અને ભારતી બેને એક બીજાને ગુલાબ આપી તેમજ કેક કટીંગ કરી એક બીજાને વેલેન્ટાઈન ડેની શુભેચ્છા પાઠવી હતી અને પ્રેમના દિવસની ઉજવણી કરી હતી.આજનો યુવાનોને સંદેશ આપતાં બંનેએ જણાવ્યુ હતું કે, જ્યારે વિશ્વાસ હોય ત્યારે જ કોઈ પણ સંબધ ટકે છે.એટલે શારીરીક ખુબી કે ખામી જોવાના બદલે એકબીજાનાં વિચારો જાણી લો.જો તમને એકબીજાના વિચારો ગમશે તો તમે લાંબો સમય સુધી સાથે રહી શકશો.બાકી શારીરીક આકર્ષણ અને 5જીના જમાનામાં જેટલો વહેલો પ્રેમ શરુ થાય છે એટલો જ વહેલો પુરો પણ થઈ જશે.