ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના જોલવા ગામે ગત ઓક્ટોબર મહિનામાં ૩ લોકો પર જીવલેણ હુમલામાં ભરૂચ કોર્ટે કોંગી આગેવાન સુલેમાન પટેલની આગોતરા જામીન અરજી નામંજુર કરી દીધી છે.
વાગરા તાલુકામાં આવેલાં જોલવા ગામના પાદરે બેસેલાં લોકો પર અગાઉ થયેલી તકરારમાં સમાધાન થયું હોવા છતાં પાંચ શખ્સોએ આવી તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો.ઘટનામાં ગંભીર ઈજાગ્રસ્તે જોલવાના રહીશ અને બે વખત કોંગ્રેસના વાગરા બેઠકના ધારાસભ્યના ઉમેદવાર રહી ચુકેલાં સુલેમાન પટેલના કહેવાથી આરોપીઓએ તેમની હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ આપી હતી.જેના પગલે દહેજ પોલીસે સુલેમાન પટેલ સહિત ૬ જણા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.જીવલેણ હુમલામાં ૫ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. જ્યારે સુલેમાન પટેલે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી અને ઝડપાયેલા ૫ આરીપીઓએ રેગ્યુલર જામીન અરજી કરી હતી.
ભરૂચના ત્રીજા એડિશનલ સેશન્સ જજ એચ.વી.જોષીની કોર્ટમાં કોંગી આગેવાનની આગોતરા અરજી અંગે સુનાવણી હાથ ધરાઈ હતી.જેમાં તેઓના વકીલ વી.પી.ઠાકોરે હાઈકોર્ટના વિવિધ જજમેન્ટ, રાજકીય ઈશારે ખોટા કેસમાં ભેરવી દેવા દહેજ પોલીસની ફરિયાદ સહિતની દલીલો કરી હતી.તો સરકાર તરફે પબ્લિક પ્રોસિક્યુટર પી.બી.પંડ્યાએ તપાસ અધિકારીનું સોગંદનામું,દહેજ પોલીસની હાલની અને અગાઉની પણ સુલેમાન પટેલ સામે થયેલી આવા જ હુમલાની ફરિયાદ સાથે સીસીટીવી ફૂટેજ,ઓડીયો ક્લિપમાં ઘટના પૂર્વયોજિત ષડયંત્ર હોવાની દલીલો કરી હતી.
કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી રાજકીય અને સામાજિક કાર્યો કરતા સુલેમાન પટેલ સામે જીવલેણ હુમલાની આ બીજી ઘટના હોય તેમજ સ્થાનિક કક્ષાએ જાહેર સલામતી જોખમાય શકે તેવી નોંધ લઈ આગોતરા જામીન અરજી રદ્દ કરી હતી.સાથે જ ધરપકડ કરાયેલા અન્ય ૫ આરોપીના રેગ્યુલર જામીન પણ નામંજુર કરી દેવાયા છે.