ભરૂચ,
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સુધી કમોસમી વરસાદ માવઠાની આગાહી કરવામાં આવી હતી.જેના ભાગરૂપે આજ રોજ વહેલી સવારથી ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન પણ જોવા મળતો હતો.કમોસમી વરસાદ વરસતા ભરશિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.કમોસમી વરસાદના પગલે વાહનચાલકો તેમજ રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતામાં મુકાયા હતા અને તેઓની ચિંતામાં વધારો કર્યો હતો.કમોસમી વરસાદના પગલે શિયાળુ પાક,લીલા શાકભાજી સહિત બાગાયતી પાકોના નુકશાન થવાની ભીતી સતાવી રહી છે.
કમોસમી વરસાદના પગલે જંબુસર ટંકારી ભાગોળ ના માર્ગો બેટમાં ફેરવતા વાહનચાલકો અને રાહદારીઓ એ પાણી માંથી પસાર થવા મજબૂર બન્યા હતા.તો આમોદ પંથકમાં કમોસમી વરસાદના કારણે કપાસના પાકને નુકશાન પહોંચે તેવી ધરતીપુત્રોને ચિંતા સતાવી રહી છે.જેથી ધરતીપુત્રોની દશા ઉપર પાટુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદી કાંઠાના વિસ્તારોમાં સ્પટેમ્બર માસમાં આવેલ પુરના પાણીએ ધરતીપુત્રો ના હાલ બેહાલ કર્યા હતા અને સમગ્ર પાક પૂર્ણ પાણીમાં નષ્ટ થતા લાખો અને કરોડો રૂપિયાનું નુકશાન વેઠવું પડ્યું હતું.જે બાદ તેઓ માંડ માંડ ઉભા થઈ રહ્યા છે.ત્યાં વધુ એક માવઠાનો માર વાગતાં જાણે તેઓની દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે.