ભરૂચ નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર માંચ ગામના પાટિયા નજીક નાળાની દીવાલમાં કાર ભટકાતા ભાઈબીજની પૂર્વ રાતે જ પિતરાઈ ભાઈ સહિત બે લોકોના મૃત્યુ થયા છે.જ્યારે ભરૂચમાં રહેતા સગા ભાઈ – બહેન સહિત ત્રણને ઈજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ સગુન રેસિડેન્સીમાં રહેતા અનવીબેન મહેન્દ્ર પટેલના માતાનું બ્લડ પ્રેસર વધી જતાં તેઓને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જેઓની ખબર અંતર પૂછવા માટે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ સૂર્યા અમીન ફલેટમાં રહેતા પિતરાઈ ભાઈ યોગીન રાજેશ પટેલ અને માસા દશરથ પોપટ પટેલ,માસી હર્ષાબેન પટેલ આવ્યા હતા.મધરાતે આરામ કરવા માટે અનવીબેનના ભાઈ શ્રેયકુમાર તેમજ પિતરાઈ ભાઈ યોગીન પટેલની ગાડી નંબર જીજે ૦૧ એચઝેડ ૬૯૭૦ લઈ માસી,માસા સાથે ભરૂચ આવી રહ્યા હતા.આ દરમ્યાન પુરઝડપે ગાડી હંકારતા યોગીન પટેલનું સ્ટેયરિંગ ઉપર કાબુ નહીં રહેતા નેશનલ હાઈવે ઉપર માંચ ગામના પાટિયા પાસેના નાળાની દીવાલમાં કાર ભટકાતા હતી.અકસ્માતમાં ગંભીર ઈજાઓ પગલે ચાલક યોગીનનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે સારવાર અર્થે લઈ જતા દશરથ પટેલનું માર્ગમાં જ મોત થયું હતું.તો ઈજાગ્રસ્ત હર્ષાબેન પટેલ, અનવીબેન પટેલ અને શ્રેયકુમાર પટેલને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી હતી.