ભરૂચ,
ભરૂચ જીલ્લા માંથી પસાર થતા દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ વે માં જમીન ગુમાવનાર અસરગ્રસ્ત ખેડૂતોએ વળતરમાં થયેલ અન્યાય બાબતે ૩૦ થી વધુ ગામના અસરગ્રસ્ત ખેડુતો ભેગા થઈ પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખી પોતાની વેદના વ્યક્ત કરી ભાવ વધારાની માંગ કરી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી – મુંબઈ એકસપ્રેસ વે બનાવવામાં આવી રહ્યો છે.જે માટે સરકાર દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી.એકસપ્રેસ વે,ભાડભૂત બેરેજ અને બુલેટ ટ્રેનની કામગીરી માટે ભરૂચ જીલ્લાના ખેડૂતોની જમીનોનો પણ સમાવેશ થાય છે.જીલ્લાના ખેડૂતોની અંદાજીત ૧૫૦૦ થી ૧૬૦૦ એકર જમીન એકસપ્રેસ વે,ભાડભૂત બરેજ અને બુલેટ ટ્રેન પ્રોજેકટમાં સંપાદન થઈ છે.ત્રણેય પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર નહિ આપવામાં આવતા છેલ્લા ૨૦૧૫ થી ખેડુતો વધુ વળતર અને અન્ય જીલ્લામાં ચૂકવાય વળતરને લઈને લડત ચલાવી રહ્યા છે.
તો બીજી તરફ ભરૂચ જીલ્લા માંથી પસાર થતા ત્રણેય પ્રોજેકટ એકસપ્રેસ વે અને બુલેટ ટ્રેનની મોટા ભાગની કામગીરી પૂર્ણ થવાના આરે છે.તેમ છતાં ભરૂચ જીલ્લાના આમોદ,વાગરા,ભરૂચ અને અંકલેશ્વરના ૨૫ થી વધુ ગામોના ખેડુતોને જમીનનો યોગ્ય ભાવ નહિ મળતા વારંવાર સ્થાનિક તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી રજુઆત અને આંદોલન કરવામાં આવ્યા હતા તેમ છતાં કોઈ યોગ્ય નિર્ણય નહિ આવતા આખરે મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડુતો ભેગા થઈ પ્રધાનમંત્રીને અંદાજીત ૮ થી ૧૦ હજાર પોસ્ટકાર્ડ લખી તેઓ સાથે વળતર માં થયેલ અન્યાય બાબતની વેદના લખી તેઓને યોગ્ય વળતર મળે તેવી માંગ કરી હતી.
ભરૂચ જીલ્લો અને સુરત તેમજ નવસારી પણ ગુજરાતમાં જ આવેલા હોય તો ત્યાં જે વળતર ચૂકવવામાં આવ્યું છે તો ભરૂચ જીલ્લા માં કેમ નહિ?શા માટે ભરૂચ જીલ્લાના ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો તે સવાલ ઉભા થયા છે અને આવનાર સમયમાં યોગ્ય વળતર નહિ આપવામાં આવે તો આગામી દિવસોમાં નક્કર પગલાં ભરવામાં આવશે તેમ ખેડૂત સમન્વય સમિતિના આગેવાન હિરેનભાઈ ભટ્ટે જણાવ્યુ હતુ.
ભરૂચ જિલ્લા માંથી પસાર થતા એકસપ્રેસ વે માં તેઓએ પોતાની જમીન ગુમાવી છે અને તેઓ ને તેની સામે ખૂબ જ ઓછું વળતર ચૂકવવામાં આવ્યું છે.જે બાબતે તેઓ કોર્ટમાં પણ ગયા હતા.પરંતુ જે પ્રમાણે સુરત,નવસારી અને વલસાડમાં જે વળતર ચૂકવવામાં આવ્યું છે તે જ પ્રમાણે ભરૂચ જીલ્લાનાં અસરગ્રસ્ત ખેડૂતોને પણ ચૂકવવામાં આવે તેવી માંગ સાથે પ્રધાનમંત્રી ને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે અને જો પરિણામ નહિ આવે તો રાજકીય પાર્ટી અમારું ન સાંભળતી હોય તો અમારે પણ સંબંધ કરવાની મજબૂરી શું છે તેમ આમોદ તાલુકાના દેરોલ ગામના અસરગ્રસ્ત ખેડૂતે જણાવ્યું હતું.
અંકલેશ્વર તાલુકાના પિલુદ્રા ગામના અસરગ્રસ્ત ખેડૂત જીજ્ઞેશ પટેલે જણાવ્યુ હતું કે ખેડૂતો વિકાસના વિરોધી નથી. પરંતુ NHAI ની ગાઈડલાઇન પ્રમાણે અન્ય જીલ્લામાં પર હેક્ટર 3 કરોડ 75 લાખ સુધીનું વળતર આપવામાં આવ્યું છે.જે ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને પણ આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ઉપરાંત વર્ષ 2015માં સરકારે ખેડૂતોના રક્ષણ માટે સ્પેશ્યલ ઓર્ડિનન્સ પાસ કરી કાયદો પસાર કર્યો હતો. જોકે, આજ દિન સુધી તેની અમલવારી નહીં થતાં ઉણપ રહી હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે. જેથી ભરૂચ જિલ્લાના તમામ અસરગ્રસ્ત ખેડૂતો તેમજ મહિલા આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખી પોતાની માંગણીઓ સંતોષાય તેવી લાગણી વ્યક્ત કરી છે. અને નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરનાર હોવાની પણ ચીમકી આપવામાં આવી છે.
હાલ તો ભરૂચ જીલ્લા માંથી પસાર થતા એકસપ્રેસ વે,બુલેટ ટ્રેન સહિતના વિવિધ પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થવાના આરે છે તેમ છતાં જમીન ગુમાવનાર અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર નહિ ચૂકવવામાં આવતા ખેડૂતોએ પોતાને વળતરમાં અન્યાય થયો હોવાનો પોસ્ટકાર્ડ લખી પોતાની વેદના ઠાલવી છે ત્યારે તેઓની આ વેદનાને પ્રધાનમંત્રી ખુશીમાં પરિવર્તન કરે છે કે નહિ તે જોવું રહ્યું.