ભરૂચ,
અતિપૌરાણીક અને કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ મનાતા ભરૂચમાં માગશર માસના ગુરુવારે ભરાતા ભીડભંજનના કોઠા પાપડીના મેળામાં કોમી એકતાનો અનોખો સમન્વય જોવા મળે છે.શનિવારે પૂજાતા મારૂતિનંદન અહી ગુરૂવારે પૂજાય છે જેનું અનન્ય માહત્મ્ય રહેલું છે.
ભરૂચના ભીડભંજન વિસ્તાર માં આવેલ આશરે ૫૦૦ વર્ષ અતિપુરાણા ભીડભંજન હનુમાનજીનું મંદિર અને બરાબર તેની સામે આવેલ સૈયદ પીર નવાબ સુલતાન બાવાની દરગાહ ખાતે માગશર માસના દર ગુરૂવારે હિંદુ-મુસ્લીમ એકતાના પ્રતિક આ સ્થળે ધર્મના ભેદભાવ ભૂલી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.આ પૂર્વે આ વિસ્તાર માં આવેલ કૂવા માં હનુમાનજીની પ્રતિમા બિરાજમાન હતી.જ્યાં આજે એજ પ્રતિમાને પ્રસ્થાપિત કરીને મંદિર બનાવવામાં આવેલ છે.જેની બાજુ માં બાળભૈરવી બિરાજમાન છે તો મંદિરના ગર્ભગૃહમાં નાના-મોટા સાત હનુમાનજી બિરાજમાન છે.વર્ષ દરમ્યાન શનિવારે અને મંગળવારે હનુમાન ભક્તો પૂજા અર્ચના માં આવતા હોય છે પરંતુ માગશર માસ ના દર ગુરૂવારે અહી વિશેષ મેળો વર્ષો થી ભરાય છે.જેમાં ગુરૂવારે ભીડભંજન હનુમાનજીની આરાધનાનું વિશેષ મહત્વ રહેલું હોય શ્રધ્ધાળુઓ વિશાળ સંખ્યા માં ઉમટતા હોય છે.
મેળાની પરંપરાગત ઉજવણી દરમ્યાન પોતાના મનની મુરાદ પૂરી કરવા તેમજ પોતાના સંતાનોની બાબરી ઉતારવા માટે શીતળા સાતમ ની જેમ ટાઢી ખોરાક આરોગવા સાથે શ્રદ્ધાળુઓ ભીડભંજન દાદાના મંદિરે તેમજ સૈયદ પીર નવાબ સુલતાન બાવાની દરગાહ પર ઢેબરા,ચણા,પાપડી,ફૂલહાર વિગેરે ચડાવતા હોય છે.અહી બીરાજતા સૈયદ પીર નવાબ સુલતાન બાવા અરબસ્તાન માંથી આવ્યા હોવાનું મનાય છે અને તે બાદ તેઓ એ અહી સંધી લીધી હોવાનું કહેવાય છે અને સૈયદ પીર નવાબ સુલતાન બાવા નો ગુરૂવાર હોવાથી અહી માગશર માસ માં ગુરૂવારે મેલો ભરાય છે અને માનતા માને છે.બંને ધાર્મિક સ્થળોની બહાર માગશર માસના ગુરૂવારે કોઠા, પાપડી, નાળીયેર, પ્રસાદી, ફૂલહાર વિગેરેની લારીઓ ખડકાયેલી રહે છે.આ મેળાની અન્ય પણ એક આગવી ઓળખ છે.જેમાં મેળા માં આવતા કેટલાક શ્રદ્ધાળુઓ એકબીજાના હાથમાં કોઠા લઈ લડાવતા હોય છે.જેનું કોઠું આપી દેવું પડે છે જેમાં નાની મોટી શરતો પણ લગાડવામાં આવે છે.આમ ભરૂચના ભીડભંજનના મેળામાં કોમી એકતાના સંદેશ સાથે શ્રધ્ધા અને મનોરંજન પણ શ્રધ્ધાળુઓ મેળવતા હોય છે.કોઠા પાપડીનો મેળો માગશર મહિનાના ગુરુવારે ભરાતા મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓ ઉમટી દર્શન પૂજન સાથે પરંપરાગત રીતે મેળામાં કોઠા અને પાપડીના સ્વાદ સાથે મેળાની મજા માણી રહ્યા હતા.